દેશ-વિદેશ
News of Wednesday, 16th September 2020

૮૮ વર્ષના દાદાએ પૃથ્વીના પરિઘ જેટલું એટલે કે ૪૦,૦૭૫ કિલોમીટરનું વોકિંગ કર્યુ

ન્યુયોર્ક, તા.૧૬: વોકિંગ ઇઝ ધ બેસ્ટ એકસરસાઇઝ એવું કંઈ અમથું જ નથી કહેવાયું. પાછલી વયે જયારે શરીર અન્ય કોઈ ભારે કસરત કરી શકે એમ ન હોય ત્યારે પણ ડોકટરો ચાલવાની સલાહ આપે છે. મેસેચુસેટ્સમાં રહેતા બ્રેડ હેથવે નામના ભાઈએ આ વાતના જરાક સિરિયસલી લઈ લીધી હતી. જયારે તેઓ વનપ્રવેશ એટલે કે જીવનના પચાસના દાયકામાં પ્રવેશ્યા ત્યારે જ હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીઝને કારણે ડોકટરોએ તેમને ચેતવણી આપી હતી કે સાજા રહેવું હોય તો બહેતર છે કે તમે નિયમિત ચાલો. ત્યારથી તેમણે રોજ પાંચથી છ કિલોમીટર ચાલવાનું શરૂ કરી દીધું. ૧૯૮૮ના ડિસેમ્બર મહિનામાં બ્રેડે ચાલવાનું શરૂ કરેલું. વરસાદ હોય કે સૂરજનો ધોમધખતો તાપ, તેમણે નિયમિત ઓછામાં ઓછું પાંચ કિલોમીટર ચાલવાના નિયમને જાળવ્યો. કયારેક તો તેઓ દસથી પંદર કિલોમીટર પણ ચાલી નાખતા હતા. ઉંમર વધતી ગઈ એમ તેમના માટે ચાલવાનું અઘરું થવા લાગ્યું. એંસી વર્ષની ઉંમર પાર કર્યા પછી તો હાથમાં લાકડી વિના ચલાતું નથી. એમ છતાં તેમણે ડેઇલી વોક છોડયું નથી. અત્યાર સુધીના વર્ષોમાં તેમણે રોજ કેલેન્ડરમાં પોતે કેટલું ચાલ્યા એનો હિસાબ લખી રાખ્યો છે.

ચાલતા-ચાલતા તેઓ રસ્તામાંથી નકામી ચીજો અને કચરો પણ ઉઠાવતા અને એ ચીજો વેચીને એમાંથી લગભગ સાત હજાર ડોલર એટલે કે લગભગ ૫.૧૫ લાખ રૂપિયા પણ એકઠા કર્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૪૦,૦૦૦ કિલોમીટરથી વધુ વોકિંગ કરી લીધું છે જે લગભગ પૃથ્વીના પરિઘના ભ્રમણ સમાન છે.

(10:21 am IST)