દેશ-વિદેશ
News of Friday, 9th December 2022

ઇન્ડોનેશિયામાં છેલ્લા 15 દિવસમાં ત્રણ 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને મેઈન આઈલેન્ડ જાવામાં ગુરૂવારે ભૂકંપના ઝટકા આવ્યા હતાં. છેલ્લા ૧૭ દિવસમાં ત્રીજી વખત આવેલા ભૂકંપના ઝટકાથી ઇન્ડોનેશિયામાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી હતી. 

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને મેઈન આઈલેન્ડ જાવાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલ સિરિજંગ- હિલિરના ૧૪ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં ૧૨૩.૭ કિલોમીટર ઊંડાઈમાં હતું.આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિની ખબર આવી નહતી. ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયામાં ૨૧ નવેમ્બરના રોજ આવેલા ભૂકંપમાં ૩૩૪ લોકોના મોત થયા હતા અને ૬૦૦ લોકો ઘાયલ થયા હતા.સુલાવેસીમાં ૨૦૧૮માં આવેલા ભૂકંપ અને સુનામી બાદ આ ઈન્ડોનેશિયાનો સૌથી વિનાશક ભૂકંપ હતો. સુલાવેસીમાં આવેલા ભૂકંપમાં લગભગ ૪૩૪૦ લોકોના મોત થયા હતા. ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવવા સામાન્ય બની ગયા છે. પરંતુ, રાજધાની જકાર્તામાં તેના ઝટકા મહેસૂસ થવા અસામાન્ય બાબત છે. ડિસેમ્બર ૩ના રોજ પણ ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ પાસે આવેલા ભૂકંપમાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે ઈન્ડોનેશિયાના ઘણા ભાગોમાં નુકશાનની ખબરો આવી હતી. 

(5:29 pm IST)