દેશ-વિદેશ
News of Saturday, 3rd February 2018

પૈસા કમાવા કરી રોડની ચોરી!

અનોખી ચોરી, ૮૦૦ મીટર રોડ ચોરી અને વેચી નાખ્યો!

શંઘાઈ તા. ૩ : પૂર્વ ચીનમાં એક અનોખી ચોરી થઈ છે. અહીં જિંઆગ્સૂ રાજયમાં એક ચોરે કોંક્રીટથી બનેલો ૮૦૦ મીટર રસ્તો એક રાતમાં ચોરીને વેચી પણ દીધો છે. ચીની મીડિયાના રિપોર્ટ અનુસાર ૨૪ જાન્યુઆરીની સવારે સાનકેશુ ગામના લોકો ઉઠ્યા તો તેમણે જોયું કે ગામના મુખ્ય રોડનો એક મોટો ભાગ ગાયબ જ થઈ ગયો હતો.

 

આ ઘટનાથી આશ્ચર્યમાં મુકાયેલા લોકોએ તુરંત પોલીસને ફરીયાદ કરી અને કહ્યું કે રોડનો એક ભાગ આશ્ચર્યજનક રીતે ગાયબ થઈ ગયો છે. શરૂઆતમાં લોકોને લાગ્યું કે, કદાચ એવું બન્યુ હોય કે કોઈ જાહેરાત વગર જ રોડ રિનોવેશનનું કામ શરુ કરવામાં આવ્યું હોય.

 

જોકે પોલીસે આ મામલે વધુ તપાસ કરતા તમને મામલો કંઈક બીજો જ હોવાનું જણાયું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝૂ નામના એક વ્યકિતએ મશીન દ્વારા ૮૦૦ મીટર રોડ ખોદી નાખ્યો હતો અને તેમાંથી કોંક્રીટનો ભાગ એક ફેકટરીને વેચી દીધો હતો.

પોલીસે કહ્યું કે, 'ઝૂએ આ રીતે પૈસાદાર બનાવો પ્લાન બનાવ્યો હતો અને તે વિચારતો હતો કે જુદી જુદી જગ્યાએથી કોંક્રીટના રોડને ખોદીને તે પૈસાવાળો બની જશે.' ઝૂએ કહ્યું કે, 'રોડના તે ભાગનો કોઈ ખાસ યુઝ કરતું નહોતું તેથી મને થયું કે આ એક સારો બિઝનેસ મોકો છે. હું તેને વેચીને પૈસા બનાવી શકીશ.'

ઝૂએ લગભગ ૫૦૦ ટન કોંક્રીટ ચોરીને વેચી હતી જેનાથી ૫૧ હજાર રૂપિયાતે કમાયો હતો. આ ચોરીનો મામલો જાહેર થતા સોશિયલ મીડિયામાં તેના સમર્થનમાં અનેક લોકો જોવા મળ્યા હતા. તેમણે ઝૂના આ આઇડિયાને રચનાત્મકતા સાથે સરખાવ્યો અને કહ્યું કે, 'ગરીબીએ તેને રચનાત્મક બનાવી દીધો છે.' તો અન્ય કેટલાક લોકોએ તેની વિરુદ્ઘમાં કોમેન્ટ કરતા કહ્યું કે તેના માટે એવી સજા હોવી જોઈએ કે તેને હવે રોડ બનાવવા માટે કહેવું જોઈએ. (૨૧.૧૧)

(10:17 am IST)