દેશ-વિદેશ
News of Saturday, 2nd July 2022

સ્‍વિત્‍ઝર્લેન્‍ડમાં હવે લગ્ન કરી શકશે સમલૈંગિક યુગલો

સજાતીય લગ્નોને માન્‍ય રાખતો કાયદો અમલી બની ગયો : જનમત સંગ્રહમાં વિવાહને મળી હતી મંજૂરી

લંડન,તા. ૨ : સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં સજાતીય લગ્નને માન્‍યતા આપતો કાયદો લાગુ પડી ગયો છે. આ કાયદો લાગુ પડતાં જ હવે સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં સજાતીય યુગલો લગ્ન કરી શકશે. યુરોપના ઘણાં દેશોએ અગાઉ આવા કાયદાને માન્‍યતા આપી હતી. સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં મેરેજ ફોર ઓલ નામનો નવો કાયદો લાગુ થઈ જતાં સજાતીય યુગલોએ ઠેર-ઠેર તેની ઉજવણી કરી હતી. ઘણાં લોકોએ કહ્યું હતું કે આમ તો આ માટે યુરોપના અન્‍ય દેશોની સરખામણીએ મોડું થયું ગણાય, પરંતુ ક્‍યારેય ન થાય એના કરતાં મોડો મોડો પણ એવો કાયદો બન્‍યો એ સારી બાબત છે.
નવા કાયદાની જોગવાઈ પ્રમાણે હવે સજાતીય યુગલો લગ્ન તો કરી જ શકશે, પરંતુ તે ઉપરાંત બાળકોને દત્તક પણ લઈ શકશે. એટલું જ નહીં, જો વિદેશી વ્‍યક્‍તિ સાથે સજાતીય સંબંધ હશે તો તેને સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં જીવનસાથીના વિઝા પર બોલાવી શકશે. ૨૦૦૭થી આમ તો સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં સજાતીય યુગલોને સાથે રહેવાની પરવાનગી મળતી હતી, પરંતુ લગ્નની પરવાનગી આપતો કાયદો બન્‍યો ન હતો. ગયા વર્ષે ઓક્‍ટોબરમાં જનમત સંગ્રહ થયો ત્‍યારે સજાતીય લગ્નોની તરફેણમાં ૬૪.૧ ટકા નાગરિકોએ મતદાન કર્યું હતું.

 

(10:13 am IST)