Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સઉદીએ ભ્રષ્ટાચારીઓ પાસેથી ૧૦૭ અબજ ડોલર પાછા મેળવ્યા

રિયાધ તા. ૩૧ : સઉદી અરેબિયાના એટર્ની જનરલે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં તાજેતરમાં ભ્રષ્ટાચાર-વિરોધી ચલાવાયેલી ઝુંબેશમાં ભ્રષ્ટ લોકો પાસેથી ૧૦૭ અબજ ડોલર પાછા મેળવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર ભ્રષ્ટાચારના સંદર્ભમાં હાલમાં ૫૬ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે.

એટર્ની જનરલ શેખ સૌદ અલ-મોજેબે જણાવ્યું હતું કે મેં ભ્રષ્ટાચારના ઉચ્ચ સ્તરના ૩૮૧ કેસની તપાસ પૂરી કરી છે અને તેમાં ૫૬ જણને પૂછપરછ માટે રાખીને બાકીનાને છોડી દેવાયા છે.

સઉદી અરેબિયામાં ભ્રષ્ટાચારીઓ પાસેથી સરકારે ૪૦૦ અબજ રિયાલ (અંદાજે ૧૦૭ અબજ ડોલર) પ્રોપર્ટી, રોકડ રકમ, સિકયૂરિટીઝ વગેરે સ્વરૂપમાં પાછા મેળવ્યા હતા.

સઉદી અરેબિયામાં ગયા વર્ષે નવેમ્બરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર-વિરોધી ઝુંબેશ શરૂ કરાઇ હતી. આ ઝુંબેશમાં રાજવી પરિવારના અમુક સભ્ય, અગ્રણી વ્યાપારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરાઇ હતી.

સઉદી અરેબિયાના ૩૨ વર્ષીય પાટવી કુંવર મહંમદ બિન સલમાનના નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર-વિરોધી કામગીરી કરાઇ રહી છે. તેઓ 'વિઝન ૨૦૩૦'ના કાર્યક્રમમાં અખાતના આ મુસ્લિમ દેશમાં મોટા પાયે સામાજિક અને આર્થિક સુધારા કરીને પરિવર્તન લાવવા માગે છે. તેમની આ કાર્યવાહીમાં સઉદીના સૌથી વધુ શ્રીમંત પ્રિન્સ અલ-વાલીદ બિન તલાલની અટક કરાઇ હતી.

(9:41 am IST)