Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

તમે કેટલા કલાક ઊંઘો છો ? જાણો ઉંમર પ્રમાણે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે ?

ઊંઘ ન આવવાથી થાય છે અનેક પ્રકારની બિમારીઓ

નવી દિલ્‍હી તા. ૩૦ : સ્‍વસ્‍થ શરીર અને મન માટે સારી ઊંઘ મેળવવી ખૂબ જ જરૂરી છે. પૂરતી ઊંઘ ન લેવાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે, જેમ કે ટાઈપ ૨ ડાયાબિટીસ, હ્રદય રોગ, સ્‍થૂળતા અને ડિપ્રેશન વગેરે. ઘણા એવા લોકો છે જેઓ વ્‍યસ્‍ત શિડ્‍યુલને કારણે મોડી રાત્રે ઊંઘે છે અને સવારે વહેલા ઉઠે છે. આવી સ્‍થિતિમાં જાણી લો કઈ ઉંમરના લોકો માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે.
હેલ્‍થ એક્‍સપર્ટ્‍સનું કહેવું છે કે માત્ર રાત્રે સૂવું જ પૂરતું નથી, આ સિવાય એ પણ મહત્‍વનું છે કે તમે ક્‍યારે સૂઈ જાઓ છો, તમે કેટલા સમય સુધી ઊંઘો છો અને તમારી ઊંઘની ગુણવત્તા કેવી છે. નિષ્‍ણાંતોએ જણાવ્‍યું કે રાત્રે ઉંઘ ન આવવાથી દિવસ દરમિયાન ઉંઘ ન આવવી, થાક લાગવો, મૂડ ખરાબ થવો અને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે.
સારી ઊંઘનો અભાવ બાળકોના શારીરિક અને ભાવનાત્‍મક સ્‍વાસ્‍થ્‍ય પર અસર કરે છે અને તેના કારણે સામાન્‍ય વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ આવે છે. ઊંઘના અભાવને કારણે બાળકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે, શાળાની કામગીરીમાં ઘટાડો, સવારે વહેલા ઉઠવામાં મુશ્‍કેલી, ચીડિયાપણું, મૂડ સ્‍વિંગ, ડિપ્રેશન વગેરે.
કેટલાક સંશોધનો સૂચવે છે કે ઊંઘની જરૂરિયાત ઉંમર સાથે બદલાતી નથી, પરંતુ જરૂરી ઊંઘ મેળવવાની ક્ષમતા ઉંમર સાથે ઘટતી જાય છે. વૃદ્ધ વયસ્‍કોમાં તેમની બીમારીઓ અને દવાઓને કારણે ઊંઘવાની ક્ષમતા ઓછી હોય છે. ઉંમર સાથે ઊંઘની ગુણવત્તા પણ ઘટવા લાગે છે. વૃદ્ધોની ઊંઘની ગુણવત્તા ઘણી ઓછી હોય છે. તેની પાછળ ઘણા કારણો છે જેમ કે અનિદ્રા, રેસ્‍ટલેસ લેગ સિન્‍ડ્રોમ, સ્‍લીપ એપનિયા અને મિડનાઈટ યુરીનેશન વગેરે

 

(10:26 am IST)