Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

50 વર્ષ જૂનો ગર્ભપાતનો કાયદો બદલી અમેરિકાએ મહિલાઓ પાસેથી કાયદાકીય અધિકાર પરત લીધો હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગર્ભપાતનો કાયદાકીય અધિકાર આપતો ૫૦ વર્ષ જૂનો ચુકાદો બદલી નાખીને મહિલાઓ પાસેથી ગર્ભપાતનો કાયદાકીય અધિકાર પરત લઇ લીધો છે. અમેરિકામાં ગર્ભપાત અંગેની આ લડાઇ હવે સુપ્રીમ કોર્ટમાંથી વિવિધ રાજ્યોની કોર્ટોમાં પહોંચી ગઇ છે.  લુઇસિયાના અને ઉતાહની કોર્ટોએ ગર્ભપાત પરના પ્રતિબંધ પર અસ્થાયી ધોરણે રોક લગાવી દીધી છે. જ્યારે સાઉથ કેરોલાઇનાની એક ફેડરલ કોર્ટે જણાવ્યું છે કે ગર્ભધારણના છ સપ્તાહ પછી ગર્ભપાત કરાવી ન શકાય. સુપ્રીમ કોર્ટ દ્વારા ગર્ભપાતને મળેલા બંધારણીય સંરક્ષણને શુક્રવારે સમાપ્ત કરવામાં આવ્યા પછી રાજ્યોની કોર્ટોમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. એક પક્ષ ઇચ્છે છે કે પ્રતિબંધનો અમલ તાત્કાલિક શરૃ થાય. જ્યારે બીજી બાજુ બીજો પક્ષ ઇચ્છે છે કે આ પ્રતિબંધને રોકવા અથવા આ પ્રતિબંધને લાગુ કરવા વધુ સમયની માગ કરી રહ્યો છે. સોમવારે કોર્ટની મોટાભાગની પ્રવૃત્તિઓ ટ્રિગર કાયદાઓ પર કેન્દ્રિત હતી જેનો ૧૩ રાજ્યોએ સ્વીકાર કર્યો છે. ગત સપ્તાહમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તાત્કાલિક અમલમાં મુકવાના ઉદ્દેશથી આ કાયદાઓ બનાવવામાં આવ્યા હતાં.

 

(6:29 pm IST)