Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

રશિયાએ કિવ પર કર્યો અત્યાર સુધીનો સૌથો મોટો ડ્રોન હુમલો

નવી દિલ્હી: યુક્રેન  સાથે યુદ્ધ શરુ થયા પછી તેની રાજધાની કીવ પર રશિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. કીવ તેના સ્થાપના દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યુ હતુ ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કમસેકમ એકનું મોત થયું હતું. રશિયાએ યુક્રેનની રાજધાની પર  રાતે મોટાપાયા પર હુમલો કર્યો હતો. 
કીવના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રશિયાએ શનિવારે રાત્રે ઇરાનના શાહેદ ડ્રોન વડે અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક રાજધાની પર કર્યો હતો. આ હુમલો પાંચ કલાક સુધી ચાલ્યો હતો અને યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે રશિયાના ૪૦થી વધુ ડ્રોન તોડી પાડયા હતા.  કીવના મેયર વિતાલીએ જણાવ્યું હતું કે રશિયાના હુમલામાં ૪૧ વર્ષીય પુરુષનું મોત થયું છે અને એક મહિલા ઘાયલ થઈ  છે. યુક્રેન સોસાયટી ઓફ બ્લાઇન્ડના બિલ્ડિંગનો કાટમાળ પડવાના લીધે વ્યક્તિનું મોત થયું હતું. 
કીવમાં ઘણા લોકોએ શાહેદ ડ્રોનનો અવાજ પહેલી વખત સાંભળ્યો હતો. યાના નામની મહિલાએ જણાવ્યું હતું કે બાળકો ડરમાં છે અને જાણે કંઇક અમારા પર ફૂટશે તેમ અમને લાગે છે. 
યુક્રેનના દળોએ જણાવ્યું હતું કે વિક્રમજનક સંખ્યામાં શાહેદ ડ્રોન તેમના પર ત્રાટકી રહ્યા છે. કુલ ૫૪ ડ્રોન વડે યુક્રેન પર હુમલો કરાયો હતો અને તેમાથી ૫૨ ડ્રોન તોડી પડાયા છે. 

 

(6:52 pm IST)