Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ઓએમજી....પ્રથમવાર રોબોટે કરી માણસની મદદ વગર એક સર્જરી

નવી દિલ્હી: અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલા રોબોટે પ્રથમ વખત માણસની મદદ વગર સર્જરી કરીને ઈતિહાસ રચી દીધો છે. કોઈ રોબોટે તબીબી સર્જરી કરી હોય એવો આ પ્રથમ બનાવ છે. રોબોટે ડુક્કરના શરીરમાં ભૂલ વગર લેપ્રોસ્કોપિક સર્જરી કરી બતાવી હતી. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. એક્સેલ ક્રિએગરના નેતૃત્વમાં રોબોટિક સર્જરીના સફળ પ્રયોગો થયા હતા. જોન હોપકિન્સ યુનિવર્સિટીએ બનાવેલા રોબોટે ડુક્કરના શરીરમાં એક પણ ભૂલ વગર લેપ્રોસ્કોપિક સર્જરી કરી હતી. માણસની મદદ વગર રોબોટિક સર્જરી થઈ હોય એવું દુનિયામાં પ્રથમ વખત બન્યું હતું. રોબોટ પાસે ચાર ઓપરેશનો કરાવાયા હતા. એ ચારેયના પ્રયોગમાં સફળતા મળી હતી. રોબોટે ડુક્કરના આંતરડાને જોડયા હતા. યુનિવર્સિટીના સંશોધકોએ આ રોબોટનું નામ સ્માર્ટ ટિશ્યૂ ઓટોનોમસ રોબોટ (સ્ટાર) રાખ્યું છે. સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે રોબોટે માણસની સરખામણીએ વધુ સારી રીતે અને સ્વસ્થતાથી ઓપરેશન પાર પાડયું હતું. પ્રોફેસર એક્સેલ ક્રિએગરે જણાવ્યું હતું કે આ ક્રાંતિકારી પ્રયોગ હતો. અત્યાર સુધી માણસની મદદ વગર રોબોટને એરર વગર ઓપરેશન કરવામાં સફળતા મળી ન હતી. પ્રથમ વખત માણસની મદદ વગર, ઝીરો એરરથી રોબોટિક ઓપરેશન પાર  પડયું હતું. તેના કારણે હ્મુમન એરરને નિવારીને રોબોટિક મદદ લેવાની દિશા ખુલી ગઈ છે.

 

(8:03 pm IST)