Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

બ્રિટનમાં વિદેશથી આવતા લોકોને ફરજીયાત હોટલમાં 10 દિવસ સુધી થવું પડશે ક્વોરેન્ટાઇન

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે બ્રિટનનાં પીએમ જોનસન કોઈ જોખમ લેવા માગતા નથી. તેમણે કોરોનાથી વધુ પ્રભાવિત દેશમાંથી આવતા લોકો માટે ૧૦ દિવસ હોટેલમાં ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવવાની વાત કરી છે. ઓસ્ટ્રેલિયાની જેમ ત્યાં વિદેશથી આવતા તેમજ અન્ય દેશમાંથી આવતા બ્રિટિશરો માટે પણ ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવવા વિચારાઈ રહ્યું છે. આ લોકોએ તમામ ખર્ચ પોતે ચૂકવવાનો રહેશે. કુલ ૩.૬૪ લાખથી વધુ કેસ નોંધાયા છે. ૫ ટકાથી વધુ લોકોને વેકિસન અપાઈ છે.

       અમેરિકા, બ્રિટન અને બ્રાઝિલમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે પરિણામે આખા વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯,૯૮,૫૭,૬૦૩ થઈ છે. ૨૧.૪૦ લાખથી વધુ એટલે કે ૨૧, ૪૦, ૭૬૮ લોકોનો ભોગ લેવાયો છે. ૭,૧૮,૫૯,૩૪૫ લોકો સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો વધીને ૨,૫૮,૫૬,૨૮૪ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪,૫૬,૧૦૦ કેસ નોંધાયા છે અને ૯૫૬૦નાં મોત થયા છે. અમેરિકામાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો ૨,૫૭,૦૪,૩૭૨ થયો છે. કુલ ૪,૨૯,૫૦૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૫,૩૧૫ નવા કેસ નોંધાયા છે અને ૧૮૫૧ કોરોનાના ખપ્પરમાં હોમાયા છે. બીજી તરફ મેક્સિકોનાં રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોર પોતે કોરોના પોઝિટિવ જણાયા છે. તેમનાં થોડા લક્ષણો જણાતા સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા દ્વારા ફાઈઝરની વેક્સિનને મંજૂરી અપાઈ છે. ફેબ્રુઆરીની આખરમાં ત્યાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરાશે.

(5:45 pm IST)