Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પાકિસ્તાની સેનાના હેલીકૉપટર ક્રેશમાં 6 જવાનોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાની સેનાના બે મેજર રેંકના ઓફિસરો સહિત 6 જવાનોના હેલિકોપ્ટર ક્રેશમાં મોત થઈ ગયા છે. સોમવારે બલુચિસ્તાનના હરનોઈ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ આઈએસપીઆરે જણાવ્યું કે, આ અકસ્માતમાં મત્યુ પામેલા સૈનિકોમાં 2 પાયલટ પણ સામેલ હતા. બલુચિસ્તાનમાં છેલ્લા 2 મહિનાની અંદર હેલિકોપ્ટર ક્રેશની આ બીજી ઘટના છે. આ અગાઉ ઓગષ્ટમાં આવી જ ઘટના બની હતી. ત્યારે હેલિકોપ્ટર ક્રેશની જવાબદારી બલુચિસ્તાનના વિદ્રોહી સંગઠને લીધી હતી. આવી સ્થિતિમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શું વિમાન પર વિદ્રોહીઓએ ટાર્ગેટ કર્યો હતો. 

હાલમાં પાકિસ્તાની સેના તરફથી કોઈ જાણકારી નથી આપવામાં આવી પરંતુ તપાસની વાત સામે આવી છે. આ અગાઉ 1 ઓગષ્ટના રોજ બયુચિસ્તાનમાં જ વિદ્રોહીઓના વિસ્તારમાં પાકિસ્તાન સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં લેફ્ટનન્ટ જનરલ સરફરાઝ અલી સહિત 6 લોકો માર્યા ગયા હતા. આ હેલિકોપ્ટર બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં ક્રેશ થયું હતું. શરૂઆતમાં આ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું પરંતુ બીજા જ દિવસે બલોચ બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેઓએ વિમાનને તોડી પાડ્યું હતું.

(5:06 pm IST)