Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પાકિસ્તાનમાં આર્થીક સંકટના કારણોસર લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આર્થિક સંકટ ખૂબ જ કઠિન બન્યું છે કે, હવે સામાન્ય નાગરીકોને પેટ્રોલ બચાવવા અને ઓછી ચા પીવા માટે અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે પોતાના સ્ટાફને એક નવો આદેશ આપ્યો છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે પોતાના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપી છે. જેથી પેટ્રોલની બચત કરી શકાય. બેંકે કર્મચારીઓને કહ્યું છે કે, વર્ચ્યુઅલ મીટિંગમાં હાજરી આપવા અને અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ કરવા જણાવ્યું છે. બેંકનું કહેવું છે કે, સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે પૈસાની અછત છે. આવી સ્થિતિમાં બચત કરવી જરૂરી બની છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને કહ્યું હતું કે, સ્ટાફે ઓફિસ આવવા માટે કાર પૂલિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમજ ACનો ઉપયોગ ઓછો કરો. આ સિવાય બેંકમાંથી ફર્નિચર ખરીદવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં કર્મચારીઓની મુસાફરી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી પૈસા બચાવી શકાય. બેંકે કહ્યું હતું કે, અમે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી કામને અસર ન થાય અને પૈસાની પણ બચત થઈ શકે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે કહ્યું હતું કે, અમે બેંકિંગ ઈંડસ્ટ્રી અને અન્ય સંબંધિત પક્ષોને શક્ય તેટલું વધુ ઈંધણ બચાવવા માટે અપીલ કરીએ છીએ. અગાઉ પાકિસ્તાન સરકારે પણ કરાચી, લાહોર, ઈસ્લામાબાદ અને રાવલપિંડી સહિત ઘણા શહેરોમાં બજારો વહેલી તકે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

(6:23 pm IST)