Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પુત્રના નિધન બાદ માતાએ તેની યાદમાં ઘરમાં ઉગાડેલ ફળ-શાકભાજી લોકોને આપી રહી છે મફત

નવી દિલ્હી: લોકોમાં દિનપ્રતિદિન ઘટતી સામાજિક ભાવના વચ્ચે એક મહિલા એવી પણ છે જે સમાજનો આભાર વ્યક્ત કરી રહી છે. અમેરિકાના એલેક્સઝેન્ડરિયાની જેના ફોર્નેલ પોતાના ઘરઆંગણે એક ફાર્મ ચલાવે છે અને દર શનિવારે પોતાના ખેતરની 13 કિલો ઉપજનું મફત વિતરણ કરે છે. તેની શરૂઆત તેના 8 વર્ષના પુત્ર ઓલિવરે કરી હતી. ઓલિવર બાળપણથી જ ખેતરમાંથી લોકોને કોઇ ને કોઇ વસ્તુ આપતો. 2019માં એડ્રેનલની ઉણપને કારણે તેનું મોત થયું. આ સમસ્યા માત્ર કેટલાંક બાળકોમાં જ જોવા મળે છે. તે સંકટના સમયમાં પાડોશીઓ તેમજ સમાજના કેટલાક લોકોએ જેના અને તેના પરિવારને સાથ આપ્યો હતો. હવે આ પરિવારે સમાજનો આભાર વ્યક્ત કરવા આ પહેલ કરી છે. પોતાની ખેતપેદાશોનું લોકોમાં વિતરણ કરવાની શીખ ઓલિવરે આપી હતી, આ જ કારણસર જેનાએ ફાર્મનું નામ પોતાના પુત્રના નામ પર રાખ્યું છે. તેને જેના પતિ તેમજ મોટા પુત્ર લીલ સાથે મળીને સંભાળે છે. જેના પાસેથી પ્રેરણા લઇને પાડોશીઓએ પણ પોતાના ઘરની પાછળના બગીચામાં ફળ તેમજ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. કોરોનાના સમય દરમિયાન આ ફાર્મ લોકોના સુખ-દુ:ખને વહેંચવાનું એક માધ્યમ બન્યું. લોકો અહીંયા આવતા ત્યારે વાતચીત દરમિયાન પોતાની સ્થિતિ વ્યક્ત કરતા હતા. દાયકાઓથી એકબીજાના પાડોશી હોવા છતાં એકબીજા સાથે ક્યારેય વાર્તાલાપ ના કરનારા લોકોને ફાર્મમાંથી ફળ-શાકભાજી મળ્યાં. વાતોથી હળવાશ પણ અનુભવાઇ.

 

(6:53 pm IST)