Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સાવધાન.. ચીનમાં નૂડલ સૂપ પીવાથી એક જ પરિવારના નવ સભ્યોનાં મોત

એકસપાયરી ડેટવાળો સુપ પીવાનું મોંઘુ પડ્યું

બીજીંગ,તા. ૨૩: જો તમે પણ નૂડલ્સના શોખીન હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ કોઈ વાર્તા નથી પરંતુ સચ્ચાઈ છે. આવો જ એક મામલો ચીનથી સામે આવ્યો છે. જયાં નૂડલ સૂપ પીવાથી એક જ પરિવારના ૯ લોકોના મૃત્યુ થયા. જયારે અન્ય ૩ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

આ ઘટના ૫ ઓકટોબરની છે. ચીનમાં એક જ પરિવારે નાશ્તામાં નૂડલ્સ સૂપ પીધો હતો. મળતી માહિતી મુજબ સૂપ પીધો તેના ગણતરીના કલાકોમાં લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું.

ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. પરંતુ સારવાર દરમિયાન ૯ લોકોના મોત થયા. ડોકટરોએ મોતનું કારણ એકસપાયરી ડેટવાળા સૂપના સેવનનું ગણાવ્યું. જે સૂપ એ લોકોએ પીધો હતો તે કોર્ન ફ્લોરથી તૈયાર કરાયો હતો અને પેકિંગ બાદ લગભગ એક વર્ષથી ફ્રિઝરમાં મૂકેલો હતો. પરંતુ તે પરિવારે એકસપાયરી ડેટ વગેરે પર ધ્યાન આપ્યું નહીં જે તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ.

લેબમાં સૂપના ટેસ્ટિંગથી જાણવા મળ્યું કે તેમા બોન્ગક્રેકિક એસિડની માત્રા ખુબ હતી. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું અને બધાના મૃત્યુ થયા. જાણકારોનું માનીએ તો બોન્ગક્રેકિક એસિડ મેંદો અને ચોખા સંબંધિત ફૂડ આઈટમ્સમાં જોવા મળે છે. તે ખુબ ઝેરી હોય છે. બોન્ગક્રેકિક એસિડ જે ફૂડ આઈટમમાં હોય છે તેને ગરમ કર્યા બાદ પણ તેની અસર ખતમ થતી નથી. આ બોન્ગક્રેકિક એસિડે જ ઘરમાં રાખેલા નૂડલ સૂપને ઝેરીલો બનાવી દીધો હતો.

ન્યૂટ્રિશનિસ્ટ ડોકટર શીખા શર્માનું કહેવું છે કે કોઈ પણ પ્રોડકટનું સેવન કરતા પહેલા તેની એકસપાયરી જરૂર જોઈ લેવી જોઈએ અને આ સાથે જ ઘરમાં ઘણા સમયથી સંગ્રહ કરી રાખેલી ખાવાની વસ્તુના ફૂડ પેકેટનું સેવન પણ હાનિકારક થઈ શકે છે. ખાસ કરીને જો તે લિકિવડ પ્રોડકટ હોય તો બિલકુલ ન ખાઓ. એકસપાયરી ડેટથી વધુ સમય વીતી જાય તો ખાદ્ય પદાર્થ ઝેરી બની જાય છે. તેમાં એસિડ બનવા લાગે છે.

(10:12 am IST)