Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કોરોનામાં દર 30 કલાકે 1 અબજપતિનું સર્જન થતું હોવાની માહિતી

નવી દિલ્હી: કોવિડ મહામારીના કારણે વિશ્વમાં દર 30 કલાકે એક નવો અબજપતિ (Billionaire) સર્જાયો હતો અને હવે એ જ ગતિએ 10 લાખ લોકો ગરીબી તરફ ધકેલાઈ શકે છે. ઓક્સફેમ (Oxfam) દ્વારા સોમવારે દાવોસ સંમેલન (Davos Summit) દરમિયાન આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ચેરિટી સંસ્થાએ જણાવ્યું કે, ઓછા ભાગ્યશાળી લોકોનું સમર્થન કરવા માટે ધનિકો પર ટેક્સ લગાવવા માટેનો સમય આવી ગયો છે. વૈશ્વિક કુલીન વર્ગ એટલે કે, સામાજીકરૂપે પ્રતિષ્ઠિત વર્ગ 2 વર્ષના કોવિડ કાળ બાદ વિશ્વ આર્થિક મંચ (World Economic Forum) માટે એકત્રિત થયો છે. ઓક્સફેમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આશંકા પ્રમાણે આ વર્ષે 26.3 કરોડ જેટલા લોકો અત્યાધિક ગરીબીમાં ડૂબી જશે. અંદાજ પ્રમાણે દર 33 કલાકમાં 10 લાખ લોકો ગરીબ બની જશે. એટલે કે, દર 3.3 કલાકે 1 લાખ લોકો ગરીબીના ખપ્પરમાં હોમાશે. તુલનાત્મકરૂપે મહામારી દરમિયાન 573 લોકો અબજપતિ બન્યા છે, એટલે કે દર 30 કલાકમાં એક વ્યક્તિ અબજપતિ બન્યો છે. બુચરે જણાવ્યું કે, 'મહામારી તથા હવે ભોજન અને ઉર્જાની કિંમતોમાં ભારે વૃદ્ધિ, સીધા શબ્દોમાં કહીએ તો તેમના માટે આ બોનસ છે.' ઓક્સફેમે વધી રહેલી કિંમતોનો સામનો કરનારા લોકોનું સમર્થન કરવાની સાથે મહામારીની અસરોમાંથી બહાર નીકળવા માટે અબજોપતિઓ પર 'યુનિટી ટેક્સ' માટેનું આહ્વાન કર્યું હતું. ઓક્સફેમના મતે કરોડપતિઓ પર વાર્ષિક 2 ટકા અને અબજોપતિઓ માટે 5 ટકા સંપત્તિ કર લાદવાથી વાર્ષિક 2.52 ટ્રિલિયન ડોલર ભેગા કરી શકાય.

 

(6:46 pm IST)