Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

૨૪.૫ વર્ષ જૂનો ભ્રૂણ બાળક બનીને અવતર્યોઃ મમ્મી અને દીકરીમાં માત્ર દોઢ વર્ષનો ફરક

ન્યુયોર્ક તા.૨૨:અમેરિકાના નોકસવિલ ટાઉનમાં રહેતી ૨૬ વર્ષની ટીના ગિબ્સન નામની યુવતીએ ડોનર ભ્રૂણની મદદથી એક છોકરીને જન્મ આપ્યો છે. આ ઘટનામાં ખાસ વાત એ છે કે ડોનર ભ્રૂણ આજથી ૨૪.૫ વર્ષ પહેલા પેદા થઇ ચૂકયો હતો અને એને અમેરિકાના નેશનલ એમ્બિયો ડોનેશન સેન્ટરમાં સંઘરી રાખવામાં આવ્યો હતો. ટીનાના ૩૩ વર્ષના પતિ બેન્જામિન ગિબ્સનને સિસ્ટિક ફાઇબ્રોસિસ નામની બીમારી છે જે જનીનગત રીતે વારસામાં તેમના સંતાનમાં પણ આગળ વધે એમ હોવાથી યુવગે ડોનર ભ્રૂણથી બાળક મેળવવાનું વિચાર્યુ હતું.

૧૯૯૨ની ૧૪ ઓકટોબરે લેબોરેટરીમાં સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન કરીને આ ભ્રૂણ પેદા કરવામાં આવ્યો હતો જેને નેશનલ એમ્બ્રિયો ડોનેશન સેન્ટરમાં માઇનસ ડિગ્રી તાપમાને પ્રિઝર્વ કરી રખાયો હતો. આવા પ્રિઝર્વ્ડ ભ્રૂણને સ્નો બેબી પણ કહેવાય છે.

ભ્રૂણ પેદા થયો ત્યારે ટીના ગિબ્સનની ઉંમર માત્ર દોઢ વર્ષની હશે. જોકે એ ભ્રૂણને માનવજન્મ લેવાનો મોકો છેક ૨૪.૫ વર્ષ પછી મળ્યો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો એ વખતે આ ભ્રૂષ કોઇકના ગર્ભમાં મોટો થઇને બાળક તરીકે જન્મ્યો હોત તો અત્યારે ટીના અને તે બાળક હમઉમ્ર બહેનપણીઓ હોત, પણ લગભગ અઢી દાયકા સુધી ભ્રૂણવસ્થામાં રહ્યા પછી ટીનાએ તે બાળકને જન્મ આપ્યો છે. એટલે તેેઓ મમ્મી-દીકરી બન્યાં છે. બન્નેના ઉદ્ભવને ધ્યાનમાં રાખીએ તો મમ્મી-દીકરી વચ્ચે જિનેટિકલી દોઢ વર્ષનો જ ફરક કહેવાય. ટીનાની દીકરીનું નામ  એમાં રાખવામાં આવ્યું છે અને એવો અંદાજ છે કે આ કદાચ સૌથી જૂના ભ્રૂણમાંથી પેદા થનાર બાળક હશે.

(12:38 pm IST)