Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

હાર્ટ-ડિસીઝ ધરાવતા અપરિણીતોમાં મૃત્યુનું જોખમ વધુ

ન્યૂયોર્ક તા. ૨૧ : કુંવારા હતા ત્યારે કેવા મુકત પંખીની જેમ મજા માણેલી એવા વિચારો તમને આવતા હોય તો અમેરિકાના નિષ્ણાંતોની વાત સાંભળી લો. અમેરિકાના એટલાન્ટામાં આવેલી એમોરી યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે, જો તમને હાર્ટ-ડિસીઝ હોય તો તમે પરણેલા છો કે અપરિણીત એ મહત્વનું થઇ જાય છે. કુંવારા અને સિંગલ લોકોનું હાર્ટ-ડિસીઝથી વહેલું મૃત્યુ થાય છે.

અમેરિકન હાર્ટ એસોસીએશનની જર્નલમાં છપાયેલા રિપોર્ટ મુજબ પરણેલા હાર્ટના દર્દીઓ તેમના રોગ અને સમસ્યાઓ છતાં લાંબુ જીવે એવું બની શકે છે, જ્યારે સિંગલ લોકોને હાર્ટની તકલીફ થઇ હોય તો તેઓ પહેલા જ હાર્ટ-એટેકમાં જીવ ગુમાવે એવી સંભાવનાઓ વધુ હોય છે. પરિણીત વ્યકિતઓ હાર્ટ-ડિસીઝમાં જરૂરી કાળજી રાખે છે અને તેમની રિકવરી પણ ઝડપી હોય છે.

અભ્યાસકર્તાઓએ એવરેજ ૬૩ વર્ષના ૬૦૫૧ હાર્ટના દર્દીઓનો સ્ટડી કર્યો હતો. સારવાર દરમિયાન તેમના મેરિટલ સ્ટેટસને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. એમાં નોંધાયું હતું કે, કુંવારા, વિધુર, છૂટા પડેલા લોકોમાં હાર્ટની સારવાર પછીની રિકવરી ધીમી હોય છે અને કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝને કારણે મૃત્યુ થવાનું જોખમ ૪૫ ટકા જેટલું હોય છે.

(12:30 pm IST)