Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

બ્રિટનમાં 90 ફ્લાઈટ્સ અચાનક રદ થતા ફસાયા 15હજાર મુસાફરો

નવી દિલ્હી: કોરોના બાદ હવાઈ મુસાફરી ફરી શરૂ થઈ ગઇ પણ સ્ટાફની અછત યુરોપથી લઈને અમેરિકા સુધી મુસાફરો માટે મુશ્કેલી સર્જી રહી છે. બ્રિટનમાં તો સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. સોમવારે મુસાફરોને મેનેજ કરવામાં નિષ્ફળ રહેલા લંડનના હીથ્રો એરપોર્ટના અધિકારીઓએ ઉડ્ડયન કંપનીઓને અચાનક આદેશ આપ્યો કે તે તેમની 10 ટકા ફ્લાઈટ રદ કરે. તેની અસર સીધી 90 ફ્લાઇટ પર થઇ. આવા આદેશને લીધે આશરે 15 હજાર મુસાફરો રઝળી પડ્યા હતા. બીજી બાજુ આજે બ્રિટનમાં ટ્રેન મુસાફરોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. અહીં 40 હજાર રેલવેકર્મી હડતાળ પર ઉતરી ગયા છે કેમ કે સરકાર સાથે રેલવેકર્મીઓના સંગઠનની મંત્રણા નિષ્ફળ રહી છે. સેલરી વધારવા અને નિયમોમાં ફેરફાર કરવાની માગ સાથે હડતાળ કરનારા કર્મીઓમાં સિગ્નલમેનથી લઈને મેન્ટેનન્સ સ્ટાફ પણ સામેલ છે. તેના લીધે 20 ટકા ટ્રેનો રદ થશે. તેની અસર 5 લાખ લોકો પર થશે. સતત ફ્લાઈટો રદ થવાનું કારણ સ્ટાફની અછત છે. કોરોના પહેલાં બ્રિટનમાં 74 હજાર લોકો ઉડ્ડયન કંપનીઓમાં કામ કરતા હતા. કોરોનાને લીધે 30 હજાર લોકોની છટણી કરાઈ હતી. હવે ઉડ્ડયન સેવા ફરી પાટે ચઢી ગઈ છે પણ સ્ટાફ આવ્યો નથી. સાથે જ એરપોર્ટ અને સહયોગી તરીકે 66,000ના સ્ટાફમાંથી મોટી સંખ્યામાં લોકોને નોકરીથી કાઢી મુકાયા છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ અનુસાર દેશમાં જુદા જુદા સેક્ટરમાં 12,95,000 પદ ખાલી છે.

(6:13 pm IST)