Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2024

અમેરિકાના આ ઉદ્યોગ પતિએ દુનિયા છોડતા પહેલા 700 કર્મચારીઓને બનાવી દીધા કંપનીના માલિક

નવી દિલ્હી: અમેરિકામાં એક ઉદ્યોગપતિનુ 94 વર્ષે નિધન થયુ છે પણ દુનિયા છોડતા પહેલા તેમણે એક એવુ કામ કર્યુ છે કે, ચારે તરફ તેમના નામમની ચર્ચા છે. બોબ કી રે મિલ નામની કંપનીના સ્થાપક બોબ મૂરે પોતાની કંપનીની માલિકી કંપનીમાં કામ કરતા 700 કર્મચારીઓને સોંપી દીધી છે. કંપની ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટસ બનાવવા માટે જાણીતી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બોબ મૂરે પોતાની કંપનીને વેચવાની જગ્યાએ કંપનીના 700 કર્મચારીઓને તેની માલિકી આપી દીધી હતી. 2010માં તેમણે કંપનીના માલિક તરીકે હટવાનો નિર્ણય લઈ લીધો હતો. પોતાના 81મા જન્મ દિવસે તેમણે કંપનીમાં તે સમયે કામ કરતા 209 કર્મચારીઓને કંપનીના શેરના માલિક બનાવવાનુ શરુ કર્યુ હતુ. 2020 સુધીમાં કંપનીમાં કામ કરનારા કર્મચારીઓની સંખ્યા વધીને 700 થઈ ગઈ હતી. મૂરનુ કહેવુ હતુ કે, માલિક પોતાના કર્મચારીઓથી વધારે પોતાના લાભ માટે વિચારતા હોય છે તેવી વણલખી પરંપરાનો મારે ભંગ કરવો હતો. 70 વર્ષ પહેલા  મને શીખવા મળ્યુ હતુ કે, સફળ થવા માટે મહેનત અને દયાળુ સ્વભાવ બહુ જરુરી હોય છે. જેમ જેમ મારા બિઝનેસનો ફેલાવો વધતો ગયો તેમ તેમ મને અહેસાસ થતો ગયો હતો કે, ઉદાર બનવા માટે ઈશ્વરે મને તક આપી છે. બાઈબલમાં કહ્યુ છે કે, તમે બીજા લોકો પાસે જે પ્રકારના વર્તાવની અપેક્ષા રાખો છો તે પ્રકારનો વર્તાવ તમારે પણ બીજા સાથે કરવો જોઈએ. મને લાગે છે કે, જીવવા માટે મંત્ર ઉપયુક્ત છે. બોબ મૂરે કહ્યુ હતુ કે, બોબ' રેડ મિલ કંપની એક સપનુ હતુ અને તે સાકાર થયુ છે. મને કંપની સાથે એટલો પ્રેમ છે કે મેં તેને ક્યારેય નહીં વેચવાનો નિર્ણય લીધો હતો અને કંપની ખરીદવા માટેના ઘણા પ્રસ્તાવોને ફગાવી દીધા હતા. કંપની ખરીદવા આવતા ઘણા લોકોને લાગતુ હતુ કે, હું પાગલ છું. મૂર પોતાના અંતિમ શ્વાસ સુધી કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું સફળ રહયો છું અને મેં ખોટી રીતે પૈસા વેડફ્યા નથી. હું હંમેશા એક ઉદ્દેશ સાથે કામ કરતો રહ્યુ છુ. બોબ મૂરે કંપનીની સ્થાપના કરી ત્યારે તેમની વય 49 વર્ષ હતી. પહેલા તેઓ એક ગેસ સ્ટેશન ચલાવતા હતા. 2018 સુધીમાં તેમની કંપનીની આવક 100 મિલિયન ડોલર કરતા વધારે હોવાનુ અનુમાન હતુ. કંપનીની પ્રોડકટસ 70 થી વધારે દેશોમાં વેચાય છે. બોબ મૂરના નિધન બાદ કંપનીએ તેમને શ્રધ્ધાંજલિ આપતા કહ્યુ છે કે, અમે દુનિયાભરના લોકોને ઓર્ગેનિક પ્રોડક્ટસ પૂરી પાડીને બોબના વારસાને આગળ વધારવા માટે પ્રતિબધ્ધ છે. 

(6:22 pm IST)