Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અફઘાનિસ્તાન સ્થિત વિશેષ અમેરિકી દૂત ઝાલમે ખલીલઝાદે અફઘાન ભૂમિ પર ચાલેલા હિંસાના નવા દોર પર ચેતવણી જાહેર કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાન સ્થિત વિશેષ અમેરિકી દૂત ઝાલમે ખલિલઝાદે અફઘાન ભૂમિ પર ચાલેલા હિંસાના નવા દોરથી અહીં શાંતિ સ્થાપવા માટે જઇ રહેલા પ્રયાસો સામે જોખમ ઊભું થવાની ચેતવણી ઉચ્ચારી છે. અફઘાન સરકાર અને તાલિબાનો વચ્ચે ચાલી રહેતી શાંતિ મંત્રણા અટવાઇ જવાની શક્યતા છે, એમ એમણે કહ્યું. અફઘાનિસ્તાનમાં દિવસો સુધી ચાલતી રહેલી નવેસરથી શરૂ થયેલી લડાઇએ દેશના દક્ષિણ હેલમંડપ્રાંતમાં ભારે અશાંતિ ઊભી કરી છે. હેલમંડ પ્રાંત લાંબા સમયથી તાલિબાનોનો ગઢ રહ્યો છે.

             અમેરિકા વિસ્તારમાં એના હવાઇ હુમલા અટકાવી દેશે શરતે તાલિબાનો એના હલ્લા બંધ કરવા માટે સંમત થયા છે. જો કે રવિવારે અફઘાનિલસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘોર પ્રાંતમાં થયેલા કાર બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 120 જણ ઘવાયા છે. દુર્ઘટનાની જવાબદારી કોઇએ માથે લીધી નથી, પરંતુ શંકાની સોય તાલિબાનો ભણી તકાય છે. ''દીર્ઘકાલીન હિંસાએ અફઘાનોનું જીવવું હરામ કરી દીધું છે. એમાં અનેક અફઘાન નાગરિકો પોતાના પ્રિયજનોને ગુમાવી બેઠા છે. ઘોરની કરૂણાંતિકા એનો છેલ્લામાં છેલ્લો દાખલો છે,'', એમ ખલિલઝાદે ટ્વીટ કર્યું.

(6:19 pm IST)