Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ઇન્ટરનેટ પર ચાલ્યો છે ડિટર્જન્ટની ગોળીઓ ગળવાનો ખતરનાક ટ્રેન્ડ

લંડન તા. ર૦: સોશ્યલ મીડિયા પર અવનવી ચેલેન્જ ઉપાડતા ટ્રેન્ડ્સ છાશવારે આકાર લે છે. જાકે તાજેતરમાં અમેરિકામાં શરૂ થયેલો ટાઇડ પોડ ચેલેન્જટ્રેન્ડ તદ્દન વાહિયાત હોવા છતાં ટીનેજરો એની ચપેટમાં આવી ગયા છે. અમેરિકામાં ડિટર્જન્ટ પાઉડર સ્વરૂપે જ નહીં, રંગબેરંગી ગોળીના સેશેમાં મળે છે. ટીનેજરોએ આખાં પડીકાં મોંમાં નાખીને ચાવે છે અને પછી એને કારણે મોંમાં પેદા થતું રંગબેરંગી લિકિવડ થૂંકી નાખે છે. આવી કોઇ જ દિમાગ વિનાની ચેલેન્જ ટીનેજર્સને આકર્ષી ગઇ છે એટલે સાબુની ગોળીના પડીકા પર એને મોંમાં નહીં મૂકવાની જાહેર ચેતવણી આપી હોવા છતાં તેઓ ડિટર્જન્ટની ગોળીઓ મોંમા પધરાવે છે. ઘણી વાર સાબુનું લિકિવડ પેટમાં પણ જતું રહે છે. જેને કારણે ચેલેન્જરને ઝાડા, ઊલટી, છાતીમાં બળતરા થઇ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ડિટર્જન્ટસમાં હાઇડ્રોજન પેરોકસાઇડ અને કેટલાક પોલિમર્સ હોય છે જે શરીરની અંદર જાય તો પ્રાણઘાતક નીવડી શકે છે. ર૦૧૮ની શરૂઆતનાં બે વીકમાં જ આ ટ્રેન્ડ એટલો ફેલાયો છે કે એને કારણે ઝેરી દ્રવ્યોની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા સારીએવી થઇ ગઇ છે. અમેરિકન એસોસિએશન ઓફ પોઇઝન કન્ટ્રોલ સેન્ટર્સ દ્વારા ડિટર્જન્ટને કારણે ૪૦ કેસ નોંધાયા છે.

(3:00 pm IST)