Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ફ્રાન્સના લશ્કરે નાઇજીરિયામાં ડ્રોન સ્ટ્રાઇક કરતા 40 આતંકીઓને ઠાર

નવી દિલ્હી: ફ્રાન્સના લશ્કરે આપેલી વિગતો પ્રમાણે ફ્રાન્સ લશ્કરના ડ્રોન હુમલામાં નાઈજીરિયાના ૪૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. બુર્કિના ફાસો નજીક મોટર સાઈકલો પર ૪૦ આતંકવાદીઓ જઈ રહ્યા હતા ત્યારે ડ્રોનથી એરસ્ટ્રાઈક થઈ હતી. આ ઓપરેશનને બરખાને નામ અપાયું હતું. આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં ફ્રાન્સ આતંકવાદ સામે લડત ચલાવે છે. એ લડતને ઓપરેશન બરખાને એવું નામ અપાયું છે. એ લડતના ભાગરૃપે ફ્રાન્સે બુર્કિના ફાસોની સરહદ પાસે નાઈજીરિયામાં આતંકવાદીઓ ઉપર ડ્રોનની મદદથી એર સ્ટ્રાઈક કરી હતી. એમાં ૪૦ જેટલા આતંકીઓ ઠાર થયા હતા. સરહદી રસ્તા પર આ આતંકવાદીઓ મોટર સાઈકલોમાં જતા હતા ત્યારે તક જોઈને ફ્રાન્સના સૈન્યએ ડ્રોન હુમલો કર્યો હતો. ફ્રાન્સે કહ્યું હતું કે સાહેલ ક્ષેત્રમાં આતંકી સામે આ સૌથી મહત્વની સફળતા છે. આટલી મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હોય એવું છેલ્લાં ઘણાં વર્ષોમાં પહેલી વખત બન્યું હતું. ગુપ્તચર વિભાગની બાતમીના આધારે લશ્કરે આ કાર્યવાહી કરી હતી. આ આતંકવાદીઓની ટૂકડી બુર્કિના ફાસો અને નાઈજીરિયામાં આતંકવાદી પ્રવૃત્તિ કરીને અસંખ્ય લોકોને નિશાન બનાવતી હતી. આ ડ્રોન સ્ટ્રાઈક પહેલાં ફ્રાન્સની ટીમ નાઈજીરિયન સુરક્ષાદળના સંપર્કમાં હતી. આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં કટ્ટરવાદીઓના હુમલા વધ્યા છે. નિર્દોષ નાગરિકો સતત હુમલાનો ભોગ બની રહ્યા છે. સહારા રણના આ વિશાળ ક્ષેત્રમાં બેફામ બનેલા આતંકવાદીઓ સામે ફ્રાન્સે ઓપરેશન બરખાને લોંચ કર્યું છે. આ ઓપરેશન હેઠળ સાહેલ ક્ષેત્રમાં આતંકવાદીઓ સામે ફ્રાન્સનું લશ્કર લડત આપે છે. નાઈજીરિયાના ઉત્તર-પશ્વિમી વિસ્તારોમાં હુમલા થતા રહે છે. બુર્કિના ફાસોના ઉત્તરી વિસ્તારોમાં પણ સતત આતંકવાદીઓ હુમલા કરીને દહેશત બનાવી રાખે છે. થોડા દિવસ પહેલાં જ બુર્કિના ફાસોમાં આતંકી હુમલો થયો હતો, જેમાં ૫૫ લોકોનાં મોત થયા હતા. એ પછી ફ્રાન્સના લશ્કરે આ લશ્કરી કાર્યવાહી કરી હતી.

(6:40 pm IST)