Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાનના આ શહેર પર હજુ સુધી તાલિબાન નથી કરી શક્યું કબ્જો

નવી દિલ્હી: અમેરિકાના સૈનિકોની ઘરવાપસી બાદ તાલિબાને ફરી એક વખત અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે.

તાલિબાને કાબુલમાં પણ સત્તાના સૂત્રો સંભાળી લીધા છે પણ અફઘાનિસ્તાનમાં 34 પૈકી એક માત્ર પ્રાંત એવો છે જેના પર તાલિબાન હજી પણ કબ્જો કરી શક્યુ નથી. પ્રાંતનુ નામ પંજશીર છે. પંજશીરે જો તાલિબાન સામે આત્મસમર્પણ કર્યુ તો તે બહુ મોટી ઘટના હશે.

પંજશીરના નેતા અહમદ મસૂદે તાલિબાન સામે સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો છે. જોકે તેમનુ એક નિવેદન સામે આવ્યુ છે અને તેમાં તેઓ તાલિબાન સાથે વાત કરવા માટે તૈયાર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. જોકે પંજશીરના નેતાઓએ તાલિબાન સાથે સમાધાનને હજી સમર્થન આપ્યુ નથી.

બીજી તરફ પંજશીરના નેતા અહમદ મસૂદ અને અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની એક મિટિંગની તસવીર પણ સામે આવી છે. કાબુલ પર તાલિબાના કબ્જા પછી સાલેહને પંજશીરમાં છેલ્લે જોઈ શકાયા હતા. એવુ મનાય છે કે, અમરુલ્લાલ સાહેલ હવે અહેમદ મસૂદ સાથે મળીને તાલિબાનો મુકાબલો કરવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. અહેમદ મસૂદના પિતા અહેમદ શાહ મસૂદ એક સમયે અફઘાનિસ્તાનમાં સૌથી શક્તિશાળી નેતા હતા. તેમણે અફઘાનિસ્તાનમાં રશિયાનો કબ્જો થયો ત્યારે રશિયન સેનાનો મુકાબલો કર્યો હતો. જોકે રશિયા પણ પંજશીર પર પોતાનો કબ્જો મજાવી શક્યુ નહોતુ.

(6:21 pm IST)