Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાનના શરણાર્થીઓને રોકવા તુર્કી ઈરાન બોર્ડર પર દીવાલ બનાવી રહી હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હજારો લોકો દેશ છોડવા માંગે છે. આવી સ્થિતિમાં તુર્કીને અફઘાન શરણાર્થીઓ તેના દેશમાં આવશે તેવો ડર સતાવે છે. તેથી, અફઘાનિસ્તાનથી આવતા શરણાર્થીઓને રોકવા માટે તુર્કી ઈરાન સાથેની સરહદ પર દિવાલ બનાવી રહ્યું છે. તુર્કી તેની ઈરાન બોર્ડર પર 295 કિલોમીટર લાંબી દીવાલ બનાવવાનું લક્ષ્હાથ ધર્યું છે. હાલમાં ફક્ત 5 કિમી કામ બાકી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વધતી હિંસા છતાં તુર્કી કાબુલ એરપોર્ટનું સંચાલન લેવા માટે તૈયાર છે. તેમણે કહ્યું છે કે, 'અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈનિકો પાછા ખેંચાયા બાદ કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા લેવા તે રાજી છે.' તુર્કીના અધિકારીઓએ પહેલેથી કહ્યું છે કે, 'તેઓ તાલિબાનની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.'

અફઘાનિસ્તાનમાં તાલિબાનની પ્રવૃત્તિઓ વધી ત્યારથી મોટી સંખ્યામાં અફઘાનવાસીઓ ઘણા દેશોમાં આશ્રય લઈ રહ્યા છે. કેટલાક અફઘાનવાસીઓ તુર્કી ભાગી ગયા છે. અફઘાનિસ્તાનમાં સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્ર પણ ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તાલિબાન અને અન્ય તમામ પક્ષોને જીવન બચાવવા અને અફઘાન નાગરિકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા સંયમ રાખવાની વાત કરી છે.

(6:21 pm IST)