Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કપડા ધોતી વખતે વોશિંગ મશીનમાં થયો બ્લાસ્ટ : રસોડાનો સામાન વેરવિખેર

મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થયો હોવાનું તમે સાંભળ્યું હશે પરંતુ સ્કોટલેન્ડમાં કપડા ધોતી વખતે વોશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો

સ્કોટલેન્ડ તા. ૧૭ : મોબાઇલ ફોન ફાટ્યો હોવાના સમાચાર ચર્ચામાં રહેતા હોય છે પરંતુ શું તમે કયારેય વોશિંગ મશીન ફાટ્યું હોય તેવું સાંભળ્યું છે? જો નથી સાંભળ્યું તો આજે એવા જ સમાચાર જણાવી રહ્યા છીએ. અમે એવી તસવીર બતાવી રહ્યા છીએ જેમાં કપડાં ધોતી વખતે વોશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. આ બનાવ સ્કોટલેન્ડનો છે. સ્કોટલેન્ડની એક મહિલાએ સોશિયલ મીડિયા પર અમુક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે રસોડામાં રાખવામાં આવેલા વોશિંગ મશીનમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કિચનના સિંકનું આખું ડ્રેનિંગ યુનિટ ગાયબ થઈ ગયું હતું. કાચ તૂટીને તેના ટૂકડા રસોડામાં ફેલાઈ ગયા હતા.

મહિલાએ જણાવ્યું કે, એવું વિચારીને જ થરથરી ઊઠું છું કે જો મારા પરિવારનું કોઈ સભ્ય ત્યાં હાજર હોત તો તેની હાલત શું થતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. Laura Birrel નામની મહિલાએ રવિવારે ફેસબુક પર અમુક તસવીરો પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, 'મેં અનેક વખત સાંભળ્યું છે કે ઘરથી બહાર જતી વખતે વોશિંગ મશીનને ચાલુ ન મૂકવું જોઈએ. મને ખુશી છે કે હું ઘરે જ હતી જયારે મારા વોશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. વોશિંગ મશીનમાં બ્લાસ્ટથી ઘરમાં કાચના ટૂકડા ફેલાઈ ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે જે જાણે વિસ્ફોટ જ થયો છે.'

મહિલાએ જણાવ્યું કે વોશિંગ મશીનનું ડ્રમ અને વર્કટોપ અને ડ્રેનર ફાટી ગયા હતા. જયારે હું રસોડામાંથી પસાર થઈ ત્યારે મને ધૂમાડો જોવા મળ્યો. મેં સમય જતાં તેને બંધ કરી દીધો હતો. આજનો રવિવાર મારા માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. હવે હું કયારેય મશીનને ચાલુ મૂકીને નહીં જાઉં. હું વિચારી નથી શકતી કે જો હું એ સમયે કિચનમાં હાજર હોત અથવા મારા પરિવારનું કોઈ સભ્ય હાજર હોત તો તેમની શું હાલત થતી.

સોશિયલ મીડિયા પર હાલ જે તસવીરો પોસ્ટ થઈ રહી છે તેને જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા કે વોશિંગ મશીનમાં પણ આવો કોઈ બ્લાસ્ટ થઈ શકે છે! જોકે,

લોકોને એ વાતની ખુશી છે કે મહિલાના પરિવારને કોઈ નુકસાન નથી પહોંચ્યું. આ તસવીરને ફેસબુક પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.

(3:06 pm IST)