Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મમ્મી-પપ્પાએ પોતાના ૧૩ બાળકોને સાંકળે બાંધીને ઘરમાં ગોંધી રાખેલા

વાલીઓની ધરપકડ

ન્યુયોર્ક તા.૧૭ : કેલીફોર્નીયામાં ૧૩ સંતાનોને તેમના પલંગ સાથે સાંકળો અને તાળા વડે બાંધીને રાખવા બદલ પેરેન્ટસ પ૭ વર્ષના ડેવિડ ટર્પિન અને ૪૯ વર્ષની એના ટર્પિનની ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જલસથી ૯પ કિલોમીટર દુરના ગામમાં બે વર્ષથી ર૯ વર્ષ સુધીના સંતાનો પર અત્યાચાર ગુજારવા અને તેમના જીવ જોખમમાં મુકવાનો આરોપ ટર્પિન દંપતિ પર મુકવામાં આવ્યો છે.

દંપતિએ ૧૩ સંતાનોને ઘરમાં સાંકળે બાંધીને ગોંધી રાખ્યા હોવાની એ ૧૩ સંતાનોમાંથી ૧૭ વર્ષની એક છોકરીએ પોલીસના ઇર્મજન્સી નંબર પર ફરિયાદ કરી હતી. માંડ દસેક વર્ષની જણાતી તે છોકરીને કેદખાના જેવા ઘરમાંથી છટકીને બહાર નીકળતા પહેલા ઘરમાંથી મોબાઇલ ફોન મળ્યો હતો. એ ફોન વડે તેણે પોલીસના ઇમર્જન્સી નંબર પર ફોન કર્યો હતો.

પોલીસ-અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તાળા અને સાંકળે બાંધીને ઘરમાં ગોંધી રાખવામાં આવેલા ટર્પિન પરિવારમાં ૧૩ સંતાનોમાંથી સાત ૧૮ થી ર૯ વર્ષના હોવાનું જાણ્યુ હતુ. કંગાળ હાલતમાં ગંદકીભરી સ્થિતિમાં રાખવામાં આવેલા તે તમામ કુપોષણથી પીડાતા હતા. તે બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક હોસ્પિટલના ડોકટરો પણ એ ૧૩ જણની હાલત જોઇને હેબતાઇ ગયા હતા.

તેમના પેરન્ટસ ટર્પિન દંપતિની ધરપકડ કર્યા બાદ પુછપરછમાં સંતાનોને બાંધીને ગોંધી રાખવા અને ભુખેતરસે પરેશાન કરવાનુ કોઇ તાર્કીક કારણ તેઓ આપી શકયા નહોતા. આશ્ચર્યની વાત એવી છે કે લોસ એન્જલસથી ૯પ કિલોમીટર દુરના પેરિસ ગામના મુઇર રોડ પરના હાઉસ નંબર ૧૬૦માં આવી પરિસ્થિતિ હશે એનો અંદાજ પાડોશીઓને પણ નહોતો આવ્યો. પોલીસે ટર્પિન દંપતિની ધરપકડ કર્યા પછી તેમને ભયંકર વાસ્તવિકતા સમજાઇ હતી.

(4:13 pm IST)