Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પાંચ વર્ષ પહેલાં સ્ત્રી તરીકે બાળકને જન્મ આપ્યો અને હવે પુરૂષ તરીકે

ન્યૂયોર્ક તા. ૧૫ : અમેરિકાના વિસ્કોન્સિનમાં રહેતા કેસી સલિવેન નામના ૩૦ વર્ષના યુવકે થોડાક દિવસ પહેલાં ચાર દિવસ સુધી લેબરપેઇન સહન કરીને સિઝેરિયન દ્વારા એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.

કેસી જન્મથી છોકરી હતો, પરંતુ પાંચ વર્ષ પહેલાં જ તેણે છોકરીમાંથી લિંગ-પરિવર્તન કરાવીને છોકરો બનવાનું પસંદ કર્યું હતું. તે પહેલેથી પોતાની જાતિથી સંતુષ્ટ નહોતો. તેને સતત પોતે છોકરો હોત તો સારું થાત એવું રહ્યા કરતું હતું. નવાઈની વાત એ છે કે જયારે તે છોકરી હતો ત્યારે તેનાં લગ્ન એક પુરુષ સાથે થઈ ચૂકયાં હતાં. તેને લાગતું હતું કે પોતે એક વાર માતૃત્વનો અનુભવ લેશે એ પછી કદાચ તેને પોતાનું સ્ત્રીનું શરીર ગમવા લાગશે. એટલે પાંચ વર્ષ પહેલાં તેણે સ્ત્રી તરીકે એક દીકરાને જન્મ પણ આપ્યો. જોકે બાળકના જન્મ પછી તો તેને વધુ બેચેની રહેવા લાગી અને દીકરો માત્ર ચાર મહિનાનો હતો ત્યારે જ તેણે જાતિ-પરિવર્તન કરાવી લેવાનું નક્કી કરી લીધું. હોમોર્નલ અને સર્જિકલ પ્રક્રિયાઓ કરીને તે સ્ત્રીમાંથી પુરુષ બની અને ૨૦૧૫માં તેના હાલના પાર્ટનર સ્ટીવનના સંપર્કમાં આવી.

નવા સંબંધમાં પોતાની જાતને સેટલ્ડ ફીલ કરતા કેસીએ ગયા વર્ષે ફરીથી બાળકને જન્મ આપવાની તૈયારીઓ શરૂ કરી હતી અને થોડાક દિવસ પહેલાં સિઝેરિયનથી બીજા દીકરાને જન્મ આપ્યો હતો. ટ્રાન્સજેન્ડર પુરુષે બાળકને જન્મ આપ્યો હોય એવું આ પહેલાં પણ બની ચૂકયું છે, પરંતુ કોઈ વ્યકિતએ સ્ત્રી અને પુરુષ બન્ને અવસ્થામાં બાળકને જન્મ આપ્યો હોય એવું પહેલી વાર બની રહ્યું છે.

(1:27 pm IST)