Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

લગ્નજીવનને હાનિ પહોંચાડી શકે વધુ પડતો ભૌતિકવાદ

ન્યુયોર્ક, તા. ૧૫ :. શું તમારા પાર્ટનર સાથે પૈસાને લઈને તમારી દલીલો થાય છે ? શું નવી અને વધુ સારી ચીજો વસાવવા બાબતે પતિ-પત્નિ વચ્ચે વારંવાર ઝઘડા થાય છે ? એકબીજા પાસે તમે મોંઘી ગિફટસ કે ખર્ચાળ સરપ્રાઈઝની અપેક્ષા રાખતા આવ્યા છો ? તો ચેતો, તમારા લગ્ન સંબંધને ગ્રહણ લાગી શકે છે. અમેરિકાના ઓહાયોમાં આવેલી બિગહેમ યંગ યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે, ભૌતિકતાવાદ, પૈસા અને માલમિલ્કતની બાબતોને જ્યારે પતિ-પત્નિ વધુ મહત્વ આપે ત્યારે તેમના અંગત સંબંધોમાં પણ તિરાડ પડી શકે છે. ઓહાયોના પ્રોફેસરોનું કહેવું છે કે જ્યારે સંબંધોમાં ચીજોને વધુ મહત્વ આપવામાં આવે ત્યારે ઈન્ટિમસીમાં ઘટાડો થાય છે, અંગત અંતર વધે છે અને લગ્નજીવનમાં સંતુષ્ટિની અનુભૂતિમાં ઘટાડો થાય છે. જ્યારે કોઈ વ્યકિતને ચીજો પ્રત્યે વધુ લગાવ હોય ત્યારે તેનો સંબંધોને સાચવવાનો અભિગમ નથી રહેતો. ચીજો પ્રત્યેની પઝેસિવનેસ વધતા વ્યકિત હેપીનેસની શોધ પણ એમાંથી જ કરે છે જેને કારણે સંબંધો પ્રત્યે લાપરવાહી વધે છે.

અભ્યાસકર્તાઓએ ૧૩૧૦ મેરિડ લોકોનો સર્વે કરાવ્યો હતો જેમાં તેઓ સંબંધોને વધુ મહત્વ આપે છે કે સંપત્તિને એ આડકતરી રીતે જાણવામાં આવ્યું હતું. ત્યાર બાદ લગ્નજીવનમાં તેમના સંતોષનું લેવલ સરખાવીને આ તારણ નિકળ્યું હતું.

(5:09 pm IST)