Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

જો ૧૦૦૦ રીટ્વીટ મળી તો આ જ કપડાં છ મહિના પહેરવાની ચેલેન્જ ભારે પડી

ન્યુયોર્ક તા. ૧૦: અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલબામાની વીસ વર્ષની એક સ્ટુડન્ટે ક્રિસમસના આગમનની ખુશીમાં ઇન્ટરનેટ પર એક અજીબોગરીબ ચેલેન્જ આપી દીધી. કદાચ એ વખતે તેને ખબર નહોતી કે બીજાને આપેલી ચેલેન્જ જો સાચી પડી તો તેને માટે ભારે પડશે. વાત એમ છે કે કેલ્સી નામની આ કન્યાએ કપડાંનું ક્રિસમસ ટ્રી માથા પર પહેરીને મિરરમાં એની તસવીર લીધી હતી. પોતાનો વિચિત્ર લુક ટ્વિટર પર શેર કરીને તેણે લખી નાખ્યું કે જો આ લુકને ૧૦૦૦ રીટ્વીટ્સ મળી તો આગામી છ મહિના સુધી તે આ જ કપડાં પહેરીને ફરશે. આમ તો આ ચેલેન્જમાં કંઇ બુરાઇ નહોતી, પણ કેલ્સીનો આ ફની અંદાજ ટ્વિટરિયાઓને પસંદ આવી જતાં બે-ત્રણ દિવસમાં જ આ તસવીર ૩૩,૩૩૭ વખત રીટ્વીટ અને પ૪,૪૮૮ લાઇકસ પામી. એને કારણે હવે કેલ્સી મુશ્કેલીમાં ફસાઇ. હવે તેને કોલેજમાં પણ આ જ ક્રિસમસ ટ્રી પહેરીને જ જવું પડે છે. પોતાનું લખેલું પાળવા માટે તે હકીકતમાં રોજ કોલેજ આ કપડાંમાં જાય છે. યુનિવર્સિટી કેમ્પસમાં તેને જોવા લોકો એકઠા થઇ જાય છે અને તેની સાથે તસવીરો પડાવે છે. કેટલાક તેના પર હસે છે અને આ કપડાંમાં કેલ્સીને પણ મુશ્કેલી પડે છે, પણ બહેનનું કહેવું છે કે મને કોઇ અફસોસ નથી. આ કારણે કેટલાય લોકોના ચહેરા પર હાસ્ય ફરકયું છે.

(11:50 am IST)