Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ખૈબરઘાટ પર થયા છે અત્યાર સુધીના સૌથી વધારે હુમલા

નવી દિલ્હી: ખૈબરઘાટ પર જેટલા હુમલા થયા છે, તેટલા હુમલા દુનિયાના બીજા કોઈ પ્રદેશ કે મહામાર્ગ પર નહીં થયા હોય. નાનપણમાં આપણે જાદુની વાર્તાઓ સાંભળતા અને તેમાં એવા પ્રદેશની વાત આવતી જ્યાં પગ મૂકનારા ખતમ થઈ જાય. પાછળ ફરીને જુએ તો પથ્થરની મૂર્તિ બની જાય. વાસ્તિવક દુનિયામાં આવી કોઈ જગ્યાની વાત કરવી હોય તો તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલો ખૈબરઘાટ હોઈ શકે. આ ઘાટમાં થઈને અફઘાનિસ્તાન જવાય છે. અહીં આવવા જવા માટે અફરિદી કબીલાના લોકોને નજરાણું આપવું પડતું. દુનિયા આખી જીતનારા વિજેતાઓએ પણ અહીં આવીને નમી જવું પડતું હતું. દુનિયાના લગભગ બધા ઇતિહાસકારોએ અફરિદી કબીલા વિશે લખ્યું છે. આ કબીલાના લોકો એવા કે તેમને લડવું જ ગમે અને તેના કારણે દુશ્મનો તેમની સામે ખરાબ રીતે હારી જાય. વિદેશી કે સ્થાનિક લેખકો પણ સહમત થાય છે કે ખૈબરઘાટ પર જેટલા હુમલા થયા છે, તેટલા હુમલા દુનિયાના બીજા કોઈ પ્રદેશ કે મહામાર્ગ પર નહીં થયા હોય. દુનિયાનો આ પ્રખ્યાત ખૈબરઘાટ પેશાવરથી 11 માઇલ દૂર આવેલા ઐતિહાસિક 'બાબ-એ-ખૈબર'થી શરૂ થાય છે. ત્યાંથી લગભગ 24 માઇલ દૂર તોરખમ પાસે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે પૂરો થાય છે. ત્યાં આવેલી ડૂરંડ સરહદને પાર કરીને અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરી શકાય છે.

(5:18 pm IST)