Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રશિયામાં પ્રવાસીઓને લઈને જઈ રહેલ હેલીકૉપટર ક્રેશ થતા લાપતા 8 લોકોની શોધખોળ શરૂ

નવી દિલ્હી: રશિયાનાં સુદૂર પૂર્વમાં કામચટકા ટાપુ પર જ્વાળામુખી નજીકનાં તળાવમાં ગુરુવારે પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયુ છે. બચાવ ટીમ હેલિકોપ્ટરમાં સવાર આઠ લોકોની તળાવમાં શોધ કરી રહી છે. ઓછામાં ઓછા આઠ લોકો આ અકસ્માતમાં બચી ગયા હોવાના અહેવાલ છે. હેલિકોપ્ટર ક્રોનોટસ્કી નેચર રિઝર્વમાં નીચે ચાલ્યુ ગયુ હતુ. પ્રાદેશિક વહીવટીતંત્રએ કહ્યું કે, કાર્યકરો કુરીલ તળાવમાં બચી ગયેલા લોકોની શોધ કરી રહ્યા છે.

આ તળાવ જ્વાળામુખી વિસ્ફોટ પછી બન્યુ છે. સરકારી સંચાલિત સમાચાર એજન્સી 'RIA Novosti' અનુસાર, રશિયાનાં ઈમરજન્સી બાબતોનાં મંત્રાલયે જણાવ્યું હતું કે, Mi-8 હેલિકોપ્ટરમાં 13 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર્સ હતા. તેમાંથી આઠ લોકો બચી ગયા છે, જેમાંથી બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ સાથે જ ન્યૂઝ એજન્સી 'ધ ઈન્ટરફેક્સ'એ અધિકારીઓને ટાંકીને કહ્યું કે, દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 14 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. બે પાયલોટ સહિત નવ લોકો બચી ગયા છે અને અન્ય લોકો લાપતા છે, જેમના મૃત્યુની આશંકા છે. પ્રાદેશિક ફરિયાદીઓ ફ્લાઇટ સલામતી નિયમોનાં સંભવિત ઉલ્લંઘનની તપાસ કરી રહ્યા છે.

(5:15 pm IST)