Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ફેસબુક લાવશે વીડિયો ચેટ પ્રોડકટ

મેમાં હોમ વીડિયો ચેટ પ્રોડકટ પણ લોન્ચ કરશે, જેનું નામ હશે 'પોર્ટલ'

ન્યૂયોર્ક તા. ૧૨ : ફેસબુક હવે હાર્ડવેર પ્રોડકટ માર્કેટમાં ઉતારવાની યોજના બનાવી રહી છે અને આગામી મેમાં હોમ વીડિયો ચેટ પ્રોડકટ પણ લોન્ચ કરશે, જેનું નામ 'પોર્ટલ'હશે. આ પ્રોડકટ એમઝોનના એકો શો અને ગૂગલ અસિસ્ટન્ટથી ચાલતા ટચસ્ક્રીન્સને ટક્કર આપશે.

ઓનલાઇન ન્યૂઝ નેટવર્ક ચેડ્ડરના એક રિપોર્ટ મુજબ, 'પોર્ટલ' ફેસબુકની સિક્રેટિવ બિલ્ડિંગ ૮ લેબમાંથી નીકળેલી પહેલી હાર્ડવેર પ્રોડકટ હશે, જે મેમાં લોન્ચ કરવામાં આવશે. ફેસબુકની એફ૮ ડેવલેર કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવી શકે છે. એવી આશા વ્યકત થઈ રહી છે કે, આ દરમિયાન આ પ્રોડકટ લોન્ચ કરવામાં આવશે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફેસબુક આ ડિવાઇસને ૪૯૯ ડોલર (લગભગ ૩૧,૮૦૦ રૂપિયા)માં વેચશે, જે ઓનલાઇન અને ઓફલાઇન બંને સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે.

'પોર્ટલ'એમઝોનના એકો શો અને ગૂગલ અસિસ્ટન્ટથી ચાલતા ૪ સ્માર્ટ સ્પીકર્સને ટક્કર આપશે, જેણે આ અઠવાડિયે સીઈએસ ૨૦૧૮ (કન્ઝયુમર ઇલેકટ્રોનિક શો)માં સોની, સેમસંગના નિયંત્રણ હેઠળની જેબીએલ, એલજી અને લેનોવોને લોન્ચ કર્યું હતું.

'પોર્ટલ'માં એક સ્ક્રીન લાગેલી હશે, જેનાથી તમે વીડિયો કોલ કરી શકશો. આ સાથે તેની પર ગીત અને વીડિયો પણ જોઈ શકશો. તેમાં એક વાઇડ એન્ગલ લેન્સ પણ હશે, જે લોકોનો ચહેરો ઓળખી તેને ફેસબુક એકાઉન્ટ સાથે જોડશે.

(9:34 am IST)