Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સિગરેટ પર એક ચેતવણી છાપનાર વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે કેનેડા

નવી દિલ્હી: કેનેડા વિશ્વનો પ્રથમ એવો દેશ બનવા જઈ રહ્યો છે જ્યાં પ્રત્યેક સિગારેટ પર એક ચેતવણી છાપવામાં આવશે. કેનેડામાં હવે દરેક સિગારેટ પર ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તે અંગેની ચેતવણી દર્શાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજથી 2 દશકા પહેલા કેનેડામાં જ તમાકુ પ્રોડક્ટ્સના પેકિંગ પર ચેતવણી તરીકે એક ગ્રાફિક ચિત્ર દર્શાવવાની નીતિ લાગુ કરવામાં આવી હતી. કેનેડા દ્વારા શરૂ કરવામાં આવેલી તે પોલિસીને સમગ્ર વિશ્વમાં અપનાવી લેવામાં આવી છે.  કેનેડાના માનસિક સ્વાસ્થ્ય મંત્રી કેરોલિન બેનેટે જણાવ્યું કે, તમાકુ પ્રોડક્ટ્સના પેકિંગ પર જે ચેતવણી આપવામાં આવે છે તેની અસર ઘટી ગઈ હોવાની ચિંતાના સમાધાન માટે આ યોજના બનાવવામાં આવી રહી છે. પ્રત્યેક તમાકુ પ્રોડક્ટ પર સ્વાસ્થ્ય સંબંધી ચેતવણી લખવાથી સુનિશ્ચિત કરી શકાશે કે તે મેસેજ દરેક વ્યક્તિ સુધી પહોંચે. તેમાં ખાસ કરીને યુવા વર્ગનો પણ સમાવેશ થાય છે જેઓ એક વખતમાં એક જ સિગારેટ લે છે અને પેકેટ પર છાપવામાં આવેલી ચેતવણી નથી જોઈ શકતા. આ બદલાવ લાગુ કરવા માટે શનિવારથી ચર્ચા શરૂ થશે. સરકારને એવી આશા છે કે, વર્ષ 2023ના પાછળના 6 મહિનાઓમાં જ આ ફેરફાર લાગુ થઈ જશે. સિગારેટ પર શું મેસેજ છાપવામાં આવશે તે અંગે વિચારણા ચાલી રહી છે પરંતુ વર્તમાન પ્રપોઝલમાં 'પોઈઝન ઈન એવરી પફ' એટલે કે, દરેક કસમાં છે ઝેર એવું સૂત્ર વિચારવામાં આવ્યું છે.

 

(6:58 pm IST)