Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનમાં એક પછી એક પાયલોટ્સ છોડી રહ્યા છે નોકરી

નવી દિલ્હી: તાલિબાનોને રોકવા માટે અફઘાનિસ્તાન સરકાર પોતાની એરફોર્સનો મહત્તમ ઉપયોગ કરવા માંગી રહી છે પણ એરફોર્સના લડાકુ વિમાનોની ખખડધજ હાલત તેમજ એરફોર્સના પાયલોટ્સને તાલિબાની આતંકીઓ નિશાન બનાવી રહ્યા હોવાથી પાયલોટો નોકરી છોડી રહ્યા છે.
દરમિયાન તાલિબાને એક જ સપ્તાહમાં અફઘાનિસ્તાનના છઠ્ઠા શહેર પર કબ્જો કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સમાંગન નામના પ્રાંતની રાજધાની એબક પર આતંકીઓએ કબ્જો કર્યો છે અને તમામ સરકારી ઈમારતો તેમજ પોલીસ ચોકીઓ તેમના હાથમાં આવી ગઈ છે. તાલિબાને પણ આ શહેર સંપૂર્ણ રીતે પોતાના નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના કંદહાર અને હેરાતમાં હજી પણ લડાઈ ચાલી રહી છે. જોકે તેની વચ્ચે એરફોર્સના પાયલોટ્સ નોકરી છોડી રહ્યા છે. જેના કારણે તાલિબાન સામે લડી રહેલા અફઘાન સેનાના જવાનોને એર કવર મળી રહ્યુ નથી. જ્યારે વાયુસેનાનો રોલ આ લડાઈ જીતવા માટે બહુ મહત્વનો છે. તાજેતરમાં જ આઠ અફઘાન પાયલોટ્સની હત્યા કરવામાં આવી છે અને તેમાં બ્લેક હોક પાયલોટ હમીદુલ્લાહ અજીમી પણ સામેલ છે. જેમને શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પાસે ટાર્ગેટ કરાયા હતા. તેમની કારમાં બોમ્બ મુકીને તેમની હત્યા કરાઈ હતી.

 

(5:02 pm IST)