Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઈરાનમાં આવેલ ભૂકંપના ઝાટકાના કારણોસર 500થી વધુ લોકો ઘાયલ:12થી વધુ ગામોમાં વીજળી સહીત પાણીપુરવઠો બંધ થયો

નવી દિલ્હી: ઈરાનના વેસ્ટ અઝરબૈજાન પ્રાંતમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. ભૂકંપથી 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. એની સાથે જ 12થી પણ વધુ ગામડાં અને 500 ઘરોને નુકસાન પહોંચ્યું હતું. સ્ટેટ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ ઈરાનના ખોવી ગામથી લગભગ 11.6 કિમી દૂર અને 10 કિમી ઊંડાઈ પર હતો. એક અધિકારીએ લોકલ મીડિયાને જણાવ્યું - સવારે લગભગ 3 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં 528 લોકો ઘાયલ થયા હતા, જ્યારે હોસ્પિટલમાં 135 લોકોની સારવાર ચાલુ છે. 50થી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. રેસ્કયૂ ટીમ ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય કરવા માટે કામે લાગી છે. નેશનલ ઈમર્જન્સી સર્વિસે જણાવ્યું હતું કે- ખોય અને સલમાસથી કેટલાંક ગામડાં, જે ભૂકંપ કેન્દ્રથી નજીક છે ત્યાં વીજળી અને પાણીપુરવઠો બંધ કરવામાં આવ્યો છે. આ વર્ષે 1 જુલાઈએ ઈરાનમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ ભૂકંપ ઈરાનના હોર્મોઝગન પ્રોવિન્સમાં આવ્યો હતો, જેની તીવ્રતા 6.1 અને 6.3 માપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂકંપના આંચકા UAE અનુભવાયા હતા.

(4:47 pm IST)