Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પ્રથમવાર ગર્ભસ્થ શિશુના ફેફસા સહીત મગજમાં ઝેરી પ્રદૂષણના કણ જોવા મળ્યા

નવી દિલ્હી: વાયુ પ્રદૂષણ દરેક માટે ખતરનાક સાબિત થાય છે. તેને કારણે સમય પહેલાં ડિલિવરી, મિસકેરેજ, જન્મના સમયે ઓછું વજન જેવા વિકાર જોવા મળે છે. પરંતુ વિજ્ઞાનીઓને પહેલી વાર ગર્ભસ્થ શિશુનાં (ભ્રૂણમાં) ફેફસાં અને મગજમાં પ્રદૂષણના ઝેરી કણો જોવા મળ્યા છે. માતાના શ્વાસોચ્છવાસ દરમિયાન તે ગર્ભાશયમાં પહોંચે છે. લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં પ્રકાશિત નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્રદૂષણના કણ પ્લેસેન્ટામાં પણ જોવા મળ્યા છે. સ્કોટલેન્ડ અને બેલ્જિયમમાં 7થી 20 સપ્તાહના 36 ભ્રૂણ પર કરેલા રિસર્ચનું આ તારણ ચિંતાજનક છે. એક ક્યૂબિક મિલીલિટર ટિશ્યૂમાં હજારો બ્લેક કાર્બનના પાર્ટિકલ્સ મળ્યા છે જે ગર્ભાવસ્થામાં માતાના શ્વાસ લેવાથી બ્લડ ફ્લો અને પ્લેસેન્ટાથી ભ્રૂણમાં જાય છે. આ પાર્ટિકલ્સ કાર, ઘરો તેમજ ફેક્ટરીથી નીકળેલા ધુમાડાથી બને છે. શરીરમાં બળતરા થાય છે. રિસર્ચમાં સામેલ એબરડીન યુનિવર્સિટીના પ્રોફેસર પોલ ફાઉલરે કહ્યું કે પહેલી વાર જોવા મળ્યું કે માતાની ગર્ભાવસ્થાના પહેલા અને બીજા ત્રિમાસિક ગાળામાં બ્લેક કાર્બન નેનોપાર્ટિકલ્સ પ્લેસેન્ટા મારફતે ગર્ભાશયમાં પહોંચે છે અને વિકસિત થઇ રહેલા ભ્રૂણનાં અંગોમાં પણ રસ્તો બનાવે છે. ચિંતાજનક એ છે કે તે મગજમાં પણ પ્રવેશ કરવા માટે સક્ષમ છે. રિસર્ચના કો-લીડર પ્રોફેસર ટિમ નવરોટ અનુસાર માનવના વિકાસના સૌથી સંવેદનશીલ તબક્કા વિશે મંથન કરવું તેમજ સમજવું ખૂબ જરૂરી છે.

(4:46 pm IST)