Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

લેબેનોનમાં આવેલ હિઝબુલ્લાહના કેમ્પો પર ઇઝરાયલની એરસ્ટ્રાઈકમાં તંગદિલી સર્જાઈ

નવી દિલ્હી: લેબેનોનમાં આવેલા હિઝબુલ્લાહના કેમ્પો પર ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી હતી. એ પછી ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયેલના આર્મી મથકો ઉપર ૧૯ રોકેટ છોડયા હતા. આ રોકેટ હુમલા પછી ફરીથી લેબેનોન-ઈઝરાયેલની સરહદે તંગદિલી સર્જાઈ છે. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે લેબેનોન સરહદે આવેલા ઈઝરાયેલના સૈન્ય મથકે એક પછી એક ૧૯ રોકેટ છોડીને હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે કહ્યું હતું કે ઈઝરાયેલે એર સ્ટ્રાઈક કરી તેના જવાબમાં આ રોકેટ છોડાયા હતા. ઈઝરાયેલી લશ્કરે પણ સ્વીકાર્યું હતું કે એક પછી એક ૧૯ રોકેટો સૈન્ય મથકો તરફ આવ્યા હતા, પરંતુ આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમના કારણે એ રોકેટને તોડી પાડવામાં આવ્યા હતા અને કોઈ જ જાનહાની થઈ ન હતી. યુએનના શાંતિસૈનિકો લેબેનોન-ઈઝરાયેલ સરહદે તૈનાત છે. આ શાંતિ સૈનિકોએ સ્વીકાર્યું હતું કે ઈઝરાયેલની એરસ્ટ્રાઈક પછી હિઝબુલ્લાહે રોકેટથી હુમલો કર્યો હતો. રોકેટ હુમલાના કારણે ઉત્તર ઈઝરાયેલના ખુલા વિસ્તારમાં આગ લાગી હોવાના અહેવા:લો હતા. આ રોકેટ હુમલા પછી ફરીથી ઈઝરાયેલે બોમ્બવર્ષા કર્યાનો દાવો થઈ રહ્યો છે. શાંતિસૈનિકોએ કહ્યું હતું કે બંને તરફના હુમલાના કારણે ફરીથી સ્થિતિ વધારે તંગ થતી જાય છે. યુએને બંને તરફ શસ્ત્રવિરામ કરવાની અપીલ કરી હતી.

(5:20 pm IST)