Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

નાઇજીરિયામાં બંદૂકધારીઓએ મસ્જિદને નિશાન બનાવી હુમલો કરતા 12 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: નાઈજીરિયામાં બંદૂકધારીઓએ મસ્જિદને નિશાન બનાવી છે. આ ઘટનામાં નમાઝ અદા કરી રહેલા ઈમામ સહિત 12 લોકોના મોત થયા છે. રાજ્ય પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શનિવારે રાત્રે થયેલા આ ફાયરિંગ વચ્ચે હુમલાખોરોએ મસ્જિદમાંથી જ કેટલાક લોકોનું અપહરણ પણ કર્યું છે. ભૂતકાળમાં પણ નાઈજીરિયામાં બંદૂકધારી હુમલાના ખબરો આવતી રહી છે. આ ગેંગ લોકોની હત્યા કરે છે અથવા ખંડણી માટે તેમનું અપહરણ કરે છે. એટલું જ નહીં, આ ટોળકી ગામડાના લોકો પાસેથી ખેતી માટે 'પ્રોટેક્શન મની'ની પણ માંગણી કરે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના ગૃહ રાજ્ય કટસિનામાં ફુન્ટુઆના રહેવાસી લાવલ હારુનાએ આ ઘટનાની જાણકારી આપી. તેમણે કહ્યું કે બંદૂકધારીઓ મોટરબાઈક પર મેગમજી મસ્જિદ પહોંચ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ મસ્જિદ પહોંચેલા લોકો ભાગવા મજબૂર બન્યા હતા. તેમણે જણાવ્યું કે, ફાયરિંગ દરમિયાન ફસાયેલા લગભગ 12 લોકો માર્યા ગયા છે. ફુન્ટુઆના અન્ય રહેવાસી અબ્દુલ્લાહી મોહમ્મદે જણાવ્યું કે, ત્યારબાદ તેઓ ઘણા લોકોને ભેગા કરીને ઝાડીઓમાં લઈ ગયા. હું પ્રાર્થના કરી રહ્યો હતો કે, અપહરણ કરાયેલા નિર્દોષ લોકોને ડાકુઓ મુક્ત કરે. મહત્વની વાત એ છે કે, કાટસિના નાઈજીરીયાના તે ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાંનું એક છે જે પડોશી નાઈજર સાથે સરહદ વહેંચે છે. આ કારણે બંને દેશો વચ્ચે ગેંગ સરળતાથી ફરતી રહે છે. 

(7:10 pm IST)