Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ઉત્તર કોરિયાએ કરેલ બૈલિસ્ટિક મિસાઈલના પરીક્ષણ બાદ જે એલર્ટ આપવામાં આવ્યું

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ આજે મધ્યમ અંતરની બાલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું જે જાપાન પરથી પસાર થઈને પ્રશાંત મહાસાગરમાં પડી હતી. જાપાનના અધિકારીઓએ આજુબાજુની ઈમારતો ખાલી કરવા માટે પૂર્વોત્તર વિસ્તારના લોકો માટે 'જે-એલર્ટ' આપ્યું હતું. 2017 બાદ પ્રથમ વખત આ પ્રકારે એલર્ટ બહાર પાડવામાં આવ્યું હતું. વોર્નિંગ માટે સાયરન વાગવાની સાથે જ લોકો સુરક્ષિત સ્થળે સંતાવા માટે નાસભાગ કરવા લાગ્યા હતા. ઉત્તર કોરિયાએ ક્ષેત્રમાં અમેરિકી સહયોગીઓને ટાર્ગેટ કરવા માટે હથિયારોનું પરીક્ષણ તેજ કર્યું હોવાનું માનવામાં આવે છે. જાપાનના વડાપ્રધાન કાર્યાલયે ઉત્તર કોરિયા દ્વારા સાધવામાં આવેલી મિસાઈલ જાપાન પર થઈને પ્રશાંત મહાસાગરમાં પડી હોવાની આશંકા હોવાનું જણાવ્યું હતું. આ કારણે દેશના હોક્કાઈદો અને આઓમોરી ક્ષેત્રમાં થોડા સમય માટે ટ્રેન સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા મિસાઈલ પરીક્ષણની ટીકા કરી હતી અને પોતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સાથે વાતચીત કરશે તેમ જણાવ્યું હતું.  મિસાઈલ 22 મિનિટ સુધી હવામાં રહ્યા બાદ દેશના વિશેષ આર્થિક ક્ષેત્ર બહાર દરિયામાં ખાબકી હતી. ઉત્તર કોરિયાએ છેલ્લા 10 દિવસોમાં 5મી વખત પરીક્ષણ કર્યું છે. તે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ અને ગત સપ્તાહે જાપાન સાથે સંકળાયેલા સહયોગીઓ સાથે અન્ય પ્રશિક્ષણની જવાબી કાર્યવાહી હોવાનું જણાઈ રહ્યું છે. 

(5:29 pm IST)