Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

માત્ર ૧ કલાકમાં રેસ્ટોરાંનું આખું મેનુ ઝાપટી જઈને ૪૯,૦૦૦ રૂપિયા કમાયા

લંડન, તા.૩: સૌરાષ્ટ્રની લાડુ ખાવાની સ્પર્ધા જેવી ખાવાની બાબતમાં હરીફાઈ અને ચડસાચડસી ફકત ભારતમાં નથી, વિશ્વના અનેક દેશોમાં એવા બનાવો નોંધાય છે. અવારનવાર એ પ્રકારના કિસ્સા પણ પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત થાય છે. બ્રિટનના સન્ડરલેન્ડના રહેવાસી કાઇલ ગિબ્સને એકાદ કલાકમાં રેસ્ટોરાંના મેનુમાં મળતી બધી વાનગીઓ ઝાપટી જઈને ૧૩,૦૦૦ કેલરી શરીરમાં ઠાલવી હતી. જોકે અકરાંતિયાવેડાની એ શરત-સ્પર્ધા દ્વારા તે જે કમાયો એમાંથી ૪૦૦ પાઉન્ડ (અંદાજે ૩૯,૦૦૦ રૂપિયા) ન્યુ કેસલ વેસ્ટ એન્ડ ફૂડ બેન્કને દાન કર્યા અને બાકીના રૂપિયાનું ખાવાનું ગરીબોને દાનમાં આપ્યું હતું.

બાવીસ વર્ષનો કાઇલ ગિબ્સન ૬૧ મિનિટમાં આઠ બર્ગર્સ, ચાર હોટ ડોગ્સ, બે પોર્શન્સ ફ્રેન્ચ ફ્રાઇઝ, ત્રણ સેન્ડવિચ, એક બેકન લેટસ ટમેટો (BLT) અને બે મિલ્કશેકસ ગળચી ગયો હતો. કાઇલ ગિબ્સનના ખાઉધરાવેડાનો ૧૧ મિનિટનો વિડિયો યુટ્યુબ પર લોકપ્રિય થયો છે. કાઇલ જિમ્નેશ્યમમાં વ્યાયામ પણ કરે છે. કયારેક તે જન્ક ફૂડ ઝાપટે છે, પરંતુ નોર્મલી ફળો અને શાકભાજી જમવાનું તેને વધારે ગમે છે. તેથી તેના આરોગ્યમાં ઝાઝી ફરિયાદ રહેતી નથી. આવી સ્પર્ધાઓ ન હોય  એ દિવસોમાં કાઇલ ગિબ્સન આરોગ્યપ્રદ આહાર કરે છે. જોકે બેફામ ખાવાની ક્ષમતા કે આદત ધરાવતા બધા કાઇલ ગિબ્સન જેવા હેલ્ધી હોતા નથી.

(4:11 pm IST)