Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ જંગમાં અમેરિકાએ પોતાની મહાવિનાશક મિસાઈલનું પરીક્ષણ રદ કર્યું

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં અમેરિકા યુક્રેનની પડખે છે અને તેના કારણે અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચેલો છે. આ સંજોગોમાં અમેરિકાએ તણાવ વધે નહીં તે માટે પોતાના મહાવિનાશક ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ મિનિટમેન-3નુ રુટિન પરીક્ષણ રદ કરી નાંખ્યુ છે. અમેરિકન વાયુસેનાએ કહ્યુ હતુ કે, વાયુસેનાએ નિયમિત રીતે થતુ મિનિટમેન 3 મિસાઈલનુ પરીક્ષણ રદ કરી નાંખ્યુ છે. યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે ખોટી અટકળોના ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે આ પગલુ લેવામાં આવ્યુ છે. હવે વર્ષના અંતમાં આ મિસાઈલનુ અમે પરીક્ષણ કરીશું. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિ પુતિને ફેબ્રુઆરીમાં રશિયાના ન્યુક્લીયર શસ્ત્રોનુ સંચાલન કરતા સુરક્ષાદળોને હાઈએલર્ટ પર મુકવાનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં રશિયા ચાર વખત પરમાણુ હુમલો કરવાની ધમકી આપી ચુકયુ છે. સૌથી પહેલા ન્યુક્લીયર ફોર્સને રશિયાએ એલર્ટ પર મુકી હતી. એ પછી રશિયાના પ્રવકતાએ પરમાણુ હથિયારોનો ઉલ્લેખ નિવેદનમાં કર્યો હતો. ત્રીજી વખત યુએનમાં પણ રશિયાએ અણુ બોમ્બની વાત છેડી હતી અને રશિયાએ ચોથી વખત એવી ચેતવણી આપી છે કે હવે જો ત્રીજુ વિશ્વ યુધ્ધ લડાયુ તો તે માટે માત્ર યુક્રેન જવાબદાર હશે.

 

(8:47 pm IST)