ગુજરાત
News of Sunday, 31st December 2017

નાણા ખાતુ છીનવાઈ જતા જાણો સૌરભ પટેલે શું આપી પ્રતિક્રિયા

અમદાવાદ: મંત્રીઓના ખાતાની ફાળવણીમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને નાણાં ખાતુ અને શહેરી વિકાસ ખાતુ ન સોંપાતા તેઓ નારાજ થયા હતા. જેને કારણે તેઓ બીજા દિવસે સચિવાલય સંકુલમાં પણ હાજર ન રહયા હતાં. આખરે નીતિન પટેલને નાણા ખાતુ સોંપવાનો આજે નિર્ણય લેવાયો હતો. આ અંગેની બાંહેધરી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત શાહે આપતા નીતિન પટેલે ગાંધીનગર ખાતે ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ નીતિન પટેલ પહેલા નાણાં ખાતુ સૌરભભાઇ પટેલને સોંપાયેલું છે. તેમણે પાર્ટીના નિર્ણયને આવકારીને જણાવ્યું હતું કે, નાણાં ખાતુ ડે. સી.એમ નીતિનભાઇ પટેલને સોંપાય તેમા હું ખુશ છું.

હજી એક દિવસ પહેલા જ સૌરભ પટેલ ઉર્જા અને નાણા વિભાગનો ચાર્જ સંભાળ્યો હતો અને ઓફિસમાં પગ મૂક્યા બાદ પૂજાપાઠ કરી હતી. તેમજ ચાર્જ સંભાળતા પહેલા તેમણે સાળંગપુરના હનુમાન મંદિરના દર્શન કર્યા હતા. ત્યારે હવે નાણા વિભાગ નીતિન પટેલને સોંપાયું છે. નીતિન પટેલને નાણાંવિભાગ સોંપવાનો મામલે સૌરભ પટેલે કહ્યું કે, પાર્ટીના નિર્ણયમાં મારી સહમતી છે. નીતિન પટેલને નાણાં વિભાગ સોંપાતા હું રાજી છું.ખાતા ફાળવણી અંગે પક્ષનો નિર્ણય સર્વોપરી છે. ઉલ્લેખનીય છે કે, સૌરભ પટેલ પાસેથી નાણા વિભાગ ગયા બાદ, હવે તેમની પાસે માત્ર ઉર્જા વિભાગ જ છે. પરંતુ હવે તેમને બીજું કયું ખાતા સોંપવામાં આવશે કે નહિ તે જોવું રહ્યું.

(7:17 pm IST)