ગુજરાત
News of Saturday, 31st October 2020

આર્ડોર ગ્રૂપ ઓફ કંપનીઝના 488 કરોડના બેંક લોન કૌભાંડની તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો

સંખ્યાબંધ ડમી કંપનીઓ અને 204 કરોડની મિલકતો મનીષ અને વિપુલના સંબંધીઓના નામે હોવાનું ખુલ્યું

અમદાવાદ : આર્ડોર ગ્રૂપ ઓફ કંપનીઝના રૂપિયા 488 કરોડના બેંક લોન કૌભાંડની તપાસ ઇડીના અધિકારીઓ કરી રહ્યા છે જે તપાસ અંતર્ગત અમદાવાદના ટુ વેલ્યુ અને મનીષ વિપુલ એસોસિએશન ગ્રુપના છ સ્થળોએ ઇડીના અધિકારીઓએ દરોડા પાડી તપાસ આદરી હતી. તપાસ દરમિયાન આ અધિકારીઓને રોકડા રૂપિયા 5.99 કરોડ અને મોટી માત્રામાં વિદેશી ચલણી નોટો મળી હતી. તપાસમાં સંખ્યાબંધ ડમી કંપનીઓ અને રૂપિયા 204 કરોડની મિલકતો મનીષ અને વિપુલના સંબંધીઓ તથા મળતિયાઓ ના નામે હોવાની વિગતો મળી આવી છે.

આર્ડોર ગ્રુપ કંપનીના કરોડો રૂપિયાના બેંક લોન કૌભાંડની જુદી-જુદી છ ફરિયાદો નોંધાઈ હતી જેના અંતર્ગત ઇડીના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. તપાસમાં ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના મનીષ વિપુલ એસોસીએશન તથા ટ્રુ વેલ્યુની 6 રહેઠાણ તથા ઓફિસ પર ઇડીના અધિકારીઓએ દરોડા પાડી બે દિવસ સુધી તપાસ કરી હતી. તપાસમાં રોકડા રૂપિયા 5.99 કરોડ તથા વિદેશી ચલણી નોટો મળી આવી હતી સાથે સાથે વાંચી ડાયરીઓ તથા ડિજિટલ ડેટા પણ મળી આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે.

આ કૌભાંડ અંતર્ગત કરોડો રૂપિયાના હવાલા પડયા હોવાનું તથા કરોડો રૂપિયા ફોરેન બેંક એકાઉન્ટમાં  ટ્રાન્સફર થયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આર્ડોર ગ્રુપ દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડમાં મોટું ભંડોળ અમદાવાદની તથા વિપુલ મનીષ એસોસિએટના ખાતામાં પણ ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવી રહી છે. તપાસ દરમિયાન કૌભાંડમાં સંકળાયેલા વધુ લોકોના નામ સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.

(11:15 pm IST)