ગુજરાત
News of Saturday, 31st October 2020

સુરતથી કેવડિયાની સી-પ્લેન સેવા શરૂ કરવા માટે તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવા શરૂ કરાવી : સી-પ્લેનનું સંચાલન કરતી એરલાઈન કંપનીની ગુજરાતના પ્રવાસન વિભાગની સાથે આ સંદર્ભે વાતચીત ચાલુ છે

કેવડિયા કોલોની  ,તા.૩૧ : પીએમ મોદીએ આજથી અમદાવાદ-કેવડિયા કોલોની વચ્ચે દેશની સૌ પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવી દીધો છે. આમ તો, ગુજરાતમાં બીજા પણ કેટલાક રૂટ્સ પર સી-પ્લેન શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે, પરંતુ અમદાવાદ-કેવડિયા બાદ હવે સુરત-કેવડિયા વચ્ચે પણ સી-પ્લેન ઉડતું થાય તેવી તૈયારી ચાલી રહી છે. સી-પ્લેનનું સંચાલન કરનારી કંપની સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહે આજે કેવડિયા કોલોનીમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સ્પાઈસજેટની ગુજરાત ટુરિઝમ વિભાગ સાથે વાતચીત ચાલુ છે. તેમણે બીજા ઓપ્શન્સ પણ આપ્યા છે, અને આગામી દિવસોમાં સુરતથી કેવડિયા કોલોની વચ્ચે સી-પ્લેન સેવા શરૂ થાય તે માટેના પ્રયાસો હાલ શરૂ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, સુરત અમદાવાદ પછીનું સૌથી મોટું શહેર છે. ત્યાંથી પણ મોટી સંખ્યામાં લોકો SoU આવતા રહે છે.

તેવામાં સુરતીઓનો ધસારો ધ્યાનમાં લેતા સુરતથી કેવડિયા વચ્ચે સી-પ્લેન શરૂ કરાય તો તેને પૂરતો ટ્રાફિક મળી રહેવામાં તકલીફ પડવાને કોઈ કારણ નથી. બીજી તરફ, ઘોઘા અને દહેજ વચ્ચે દોડતી રો-રો ફેરી પણ હવે તો સુરત સુધી લંબાવાઈ છે. ગુજરાતમાં રિવરફ્રંટ અને કેવડિયા ઉપરાંત, ધરોઈ ડેમ (મહેસાણા) અને શેત્રુંજી ડેમ (ભાવનગર)ના રૂટને પણ સીપ્લેન માટે પસંદ કરવામાં આવ્યો છે. ૨૦૧૭માં મોદી રિવરફ્રંટથી સી-પ્લેનમાં ઉડાન ભરીને શેત્રુંજી ડેમમાં લેન્ડ થઈ ત્યાંથી અંબાજી પહોંચ્યા હતા. ઉડાન યોજના હેઠળ દેશભરમાં સી-પ્લેન માટેના ૧૬ જેટલા રૂટ્સની ઓળખ કરવામાં આવી છે. જોકે, ગુજરાત સિવાય હજુ સુધી ક્યાંય સુવિધા ચાલુ થઈ શકી નથી. સ્પાઈસજેટના ચેરમેનના જણાવ્યા અનુસાર, આપણા દેશમાં વોટર બોડીઝની કોઈ કમી નથી, અને સી-પ્લેન નદી, સમુદ્ર કે ડેમ ગમે ત્યાં લેન્ડ થઈ શકે છે તેમજ ટેકઓફ કરી શકે છે. ૨૦૧૭માં પીએમ મોદીએ સી-પ્લેનની ઝલક બતાવી હતી, જેના ત્રણ વર્ષે આજે અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેનની શરૂઆત થઈ શકી છે. ત્યારે હવે જોવાનું રહે છે કે સુરત-કેવડિયા સી-પ્લેન સર્વિસ શરૂ થવામાં હજુ કેટલો સમય લાગે છે.

(8:42 pm IST)