ગુજરાત
News of Wednesday, 30th November 2022

અંકલેશ્વર આપના ઉમેદવાર અંકુર પટેલને રૂ, 2 લાખના ચેક રીટર્ન કેસમાં કોર્ટનો 6 મહિનાની સાદી કેદનો આદેશ

30 દિવસમાં કોર્ટમાં ₹2.25 લાખ જમા કરાવી, ફરિયાદીને તેમાંથી 2.10 લાખ આપવા પણ હુકમ: જો 30 દિવસમાં નાણાં ન ભરે તો વધુ 6 મહિનાની સાદી કેદની સજા

અમદાવાદ : મતદાનના એક દિવસ પહેલા અંકલેશ્વર આમ આદમી પાર્ટીના ઉમેદવારની મુશ્કેલી વધી ગઈ છે. અંકલેશ્વર બીજા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે AAP ના ઉમેદવાર અંકુર પટેલને ₹2 લાખના ચેક રીટર્ન કેસમાં આજે 6 મહિનાની સાદી કેદનો હુકમ કર્યો છે.

ભરૂચની પાંચ વિધાનસભા બેઠક માટે ગુરૂવારે મતદાન હાથ ધરનાર છે. જે પેહલા આજે બુધવારે અંકલેશ્વર આપ ના ઉમેદવારને કોર્ટે 6 મહિનાની જેલની સજાનો હુકમ કર્યો છે.

અંકલેશ્વર આપના ઉમેદવાર અંકુર પટેલનો કોસમડી ગામે માતંગી કોર્પોરેશન નામનો પેટ્રોલ પંપ આવેલો છે. જ્યાં તેમની મુલાકાત વર્ષ 2020 માં ગામના જ મોહમદ સલીમ ઇસ્માઇલ વડીઆ સાથે થઈ હતી. જેઓ ગાડીઓ લે વેચનો ધધો કરતા હોય પેટ્રોલ પુરાવા આવતા હતા.

જે બાદ અંકુર પટેલ તેમની પાસે જરૂર હોય ત્યારે નાણાકીય લેવડ કરતા હતા. ગત 31 માર્ચ 2020 ના રોજ અંકુર પટેલે જરૂર હોય 2 લાખ માંગતા સલીમ વાડિઆ એ ચેક આપ્યો હતો. સમય જતાં નાણાં પરત માંગતા આપના ઉમેદવારે સામે ચેક આપ્યો હતો. જે ચેક 8 જાન્યુઆરી 2021 ના રોજ બેંકમાં નાખતા ઈંશફિશયન્ટ ફંડના શેરા સાથે પરત ફર્યો હતો.

ફરિયાદીએ પોતાના નાણાંની માંગણી કરતા નહિ આપતા અંતે 26 ફેબ્રુઆરીના રોજ સલીમ ભાઈએ તેમના વકીલ મારફતે નોટિસ બજાવી હતી. જેનો પણ કોઈ ઉત્તર નહિ મળતા આખરે કોર્ટમાં 25 માર્ચ 2021 ના રોજ ફરિયાદ નોંધવાઈ હતી.

ચેક રીટર્ન કેસમાં અંકલેશ્વરના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી.એસ.દરજીએ આપના ઉમેદવારને કસૂરવાર ઠેરવી 6 મહિનાની સાદી કેદનો આજે હુકમ કર્યો હતો. સાથે 30 દિવસમાં રૂપિયા 2.25 લાખ કોર્ટમાં જમા કરાવવા અને તેમાંથી 2.10 લાખ ફરિયાદીને ચૂકવવા આદેશ કરાયો હતો. જો તેમ ન કરે તો વધુ 6 મહીનાની સાદી કેદની સજા ફરમાવી છે.

(9:55 pm IST)