ગુજરાત
News of Monday, 30th November 2020

મહેમાન વગર પ્રસંગ ફિક્કો લાગે

૧૦૦ - ૧૦૦ના ચાર જમણવાર કરે છે લોકો

૧૦૦ને બદલે ૪૦૦ લોકોને જમાડી સંતોષ માને છેઆયોજકો

અમદાવાદ તા. ૩૦ : કોરોનાની મહામારીને પગલે લગ્નપ્રસંગો અટકી પડ્યા છે ત્યારે હવે લોકો પણ પોત પોતાની રીતે રસ્તો શોધીને ૧૦૦ જણાનો ચાર વાર જમણવાર કરીને ૪૦૦ માણસોનો જમણવાર યોજી દે છે.

કોરોનાને અટકાવવા માટે લગ્નપ્રસંગમાં હાજર રહેનારાંની સંખ્યા ૨૦૦થી ઘટાડીને ૧૦૦ કરી દેવામાં આવી છે. વર્તમાન સંજોગોમાં સામાન્ય પરિવારમાં પણ ૨૦૦ થી ૩૦૦ લોકોનું રસોડું થાય એ સ્વાભાવિક છે.

કોરોનાના કારણે માત્ર ૧૦૦ લોકોની મંજુરી હોવાથી જે લોકો બહોળો પરિવાર અને મિત્ર વર્તુળ ધરાવે છે તેવા પરિવારો અસમંજસમાં આવી ગયાં છે. ૧૦૦૦ લોકોની ગણતરી હોય તેવા સંજોગોમાં અડધા લોકોને કટ કરીને ૫૦૦ લોકોને આમંત્રણ આપી ૧૦૦-૧૦૦ લોકોના ચાર જમણવાર યોજવા ચાર પ્રસંગ કરવામાં આવી રહ્યાં છે.

સંબંધ જાળવણી માટે સામાજીક જુગાર કરતાં અમુક પરિવારોએ લગ્નના આગલા સાવ અંગત લોકોના મંડપના જમણવારમાં સંખ્યા વધારી સંબંધી મહિલા સભ્યોને તેમાં ઉમેરી દેવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સાંજના સમયે લાપસી જમણ યોજવામાં આવી છે. જયારે, લગ્ન એટલે કે જાન પછી છેવટે રિસેપ્શન યોજવામાં આવે છે.

આ રીતે એક જ લગ્નમાં કુલ ૪ પ્રસંગોમાં જમણવાર યોજીને ૪૦૦ લોકોને સાચવી લેેવામાં આવે છે. પોલીસ િઅધકારી સૂત્રોએ જણાવ્યું કે, લગ્નપ્રસંગમાં કેટલા પેટા પ્રસંગ હોય તેવી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કે ૧૦૦થી વધુ લોકો એકત્ર થયાં હોય તેમ જણાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે.

(9:29 am IST)