ગુજરાત
News of Thursday, 30th June 2022

મહેમદાવાદના એક્સપ્રેસ હાઇવે પરથી આઇસર ટ્રકમાંથી પોલીસે 35 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા પામ્યો

મહેમદાવાદ:મહેમદાવાદ પાસેના એક્સપ્રેસ હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત આઈસર ટ્રકમાથી પોલીસને ૩૫.૦૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે ઘવાયેલા ટ્રક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે, બીજી તરફ મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મંગળવારે વહેલી સવારે મહેમદાવાદ વડોદરા હાઈવે પર માંકવા ગામની સીમમાં અમદાવાદ તરફ જતી આઈસર ટ્રક નં. જીજે-૨૭, ટીટી-૬૯૩૯ આગળ જતા કોઈ ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત બાદ આઈસર ટ્રકનો આગળનો ભાગનો લોચો વળી ગયો હતો. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજા થતાં ક્રેઈન મારફતે ચાલકને બહાર કાઢી અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડાયો હતો. ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પહોંચેલી પોલીસે ટ્રકના પાછળના ભાગે તાડપત્રી ઉંચી કરી જોતા વિપુલ પ્રમાણમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વહેલી સવારથી જ મોડી સાંજ સુધી ગણતરી કરી હતી. દરમ્યાન કુલ બોટલો ૭૦૧૮ કિંમત રૂા. ૩૫.૦૯ હજારનો ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આઈસર ટ્રક મળી કુલ રૂા. ૪૩,૧૦,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ઘાયલ કરી ટ્રકચાલક સીમથરામ તુલસીરામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

(6:23 pm IST)