ગુજરાત
News of Thursday, 30th June 2022

કોરોનાનાં હળવા લક્ષણ હોવાથી કાલે ભૂપેન્દ્રભાઇ જગન્નાથજી યાત્રાની પહિંદવિધીમાં હાજર નહી રહી શકે : પરંપરા તૂટશે

મુખ્યમંત્રી તેમના પ્રતિનિધિ તરીકે કોઇના નામની જાહેરાત કરશે જે વિધીનો લાભ લેશે

રાજકોટ,તા. ૩૦ : કાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા નીકળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા પહેલાની પહિંદ વિધિ કોણ કરશે તે અંગે ચર્ચા શરૃ થઇ ગઇ છે. મુખ્યમંત્રીને કોરોનાના હળવા લક્ષણ જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, તેમની તબિયત સારી છે અને સેલ્ફ આઇસોલેશનમાં છે.

ગુજરાતની સ્થાપના બાદ જગન્નાથ મંદિર તરફથી અમદાવાદની રથયાત્રામાં પહિંદવિધિ માટે રાજયના મુખ્યમંત્રીને અધિકાર આપવામાં આવ્યો છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ જે તે વખતના મુખ્યમંત્રીઓ દ્વારા જ સોનાની સાવરણીથી ભગવાનનો રથ અને રસ્તો સાફ થતો રહ્યો છે. કોરોનાને કારણે વર્તમાન સમયમાં વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઇ છે.

આ મુદ્દે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ કે આ અધિકાર મુખ્યમંત્રીનો છે, તેઓ તેમના વતી પ્રતિનિધિને નિયુકત કરી શકે છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ કહ્યુ કે રાજય સરકાર જે પણ નામ કહેશે તેની પર ચર્ચા કરીને નામ જાહેર કરવામાં આવશે. રાજય સરકાર તરફથી પહિંદ વિધિ માટે કોઇ નામ જાહેર કરવામાં આવ્યુ નથી.

અમદાવાદમાં યોજાતી રથયાત્રામાં પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પહેલાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરતા હોય છે, પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કોરોના થયો હોવાથી હાજર નહિ રહી શકે. સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જાહેર જનતાના પ્રતિનિધિઓ, સરકારના વિવિધ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી.

જોકે મંગળવાર બપોર પછી તેમણે પોતાના તમામ કાર્યક્રમો અચાનક રદ કર્યા હતા, જેમાં ગઇ કાલે યોજાયેલી કેબિનેટ બેઠકનો પણ સમાવેશ થાય છે.

આ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયના તમામ અધિકારીઓએ પણ આઇસોલેશનમાં જવાનું મુનાસિબ માન્યું છે.

(3:34 pm IST)