ગુજરાત
News of Thursday, 30th June 2022

વલસાડમાં ૬, ઉમરપાડામાં માત્ર ૪ કલાકમાં ૫ ઈંચ સાંબેલાધાર વરસાદ

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી મેઘસવારી : ગણદેવીમાં માત્ર ૨ કલાકમાં ૨.૫, ડેડીયાપાડા પંથકમાં ૪ કલાકમાં ૨.૫ ઈંચ વરસાદ ખાબકયો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને પગલે દક્ષિણ ગુજરાત સહીત રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં ભારે  વરસાદ પડવાની સ્‍થિતિ સરજાઇ છે અને જેને પગલે કેટલાય વિસ્‍તારોમાં  ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાય રહ્યો છે.

વલસાડ પંથકમાં અચાનક સાંબેલાધાર વરસાદ તૂટી પડતા શહેરના છીપવાડ,એમ.જી રોડ.અબ્રામા,હાલર રોડ,નાની ખાત્રીવાડ સહીત ના વિસ્‍તારો માં ભારે વરસાદ ને પગલે પાણી ભરાઈ  જતા ભારે હાલાકી ઉભી થવા પામી છે કેટલાય દુકાનો અને મકાનોમાં પાણી ઘુસી ગયા છે આ ઉપરાંત પારડી અને વાપી પંથક માં પણ મેઘરાજાએ ભારે હેત વરસાવ્‍યું છે.

ફ્‌લડ કંટ્રોલ  પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા  કલાકમાં રાજ્‍યના વિવિધ  વિસ્‍તારમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો વલસાડ ૧૫૯ મિમિ, પારડી ૮૯ મિમિ , વાપી ૩૬ મિમિ,હાંસોટ ૩૨ મિમિ,હાલોલ ૩૦ મિમિ,ધરમપુર ૨૩ મિમિ, ઓલપાડ ૨૨ મિમિ અને કપરાડા ૨૦ મિમિ વરસાદ નોંધાયેલ છે.આ ઉપરાંત રાજ્‍ય ના ૩૦ તાલુકાઓમાં ૧ મિમિ થી લઇ ૧૯ મિમિ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

જોકે આજ સવારથી જ મેઘરાજા હજુ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે આજે સવારે ૬ કલાક થી લઇ ૧૦ વાગ્‍યા સુધીમાં એટલે કે માત્ર ૪ કલાકમાં નોંધાયેલા વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ઉમરપાડા ૧૧૨ મિમિ,ગણદેવી ૬૬ મિમિ, ડેડીયાપાડા ૬૬ મિમિ,સાગબારા ૪૬ મિમિ, માંગરોળ ૪૪ મિમિ,વાલિયા ૨૬ મિમિ, અંકલેશ્વર ૨૨ મિમિ અને નવસારી ૨૦ મિમિ વરસાદ નોંધાયેલ છે, આ લખાય રહ્યું છે ત્‍યારે કે એટલે સવારે ૧૧ કલાકે વાપી,પારડી વલસાડ સહીતના કેટલાક વિસ્‍તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

(1:01 pm IST)