ગુજરાત
News of Thursday, 30th June 2022

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો : રુદરપુરા મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્ષ ખાલી કરાવા સામે હાઇકોર્ટે મનાઈ હુકમ હટાવી લીધો

હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સંદર્ભે કરેલ અવલોકનને ધ્યાને લીધું:સુપ્રીમ કોર્ટે, ‘જાહેરહિતના મહત્વના પ્રોજેક્ટમાં કોર્ટે લાંબો સમય મનાઈ હુકમ આપીને હસ્તક્ષેપ કરવો જોઈએ નહી’ તેવું અવલોકન કર્યું હતું

સુરતના રુદરપુરા મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્ષ ખાલી કરાવા મુદ્દે હાઈકોર્ટે  આપેલો મનાઈ હુકમ હટાવી લેવામાં આવ્યો છે. આ વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્ષના અમુક દુકાનદારોએ મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે તેમની દુકાનને ખાલી કરવા માટે કોર્પોરેશન આપેલ નોટિસને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જોકે આ મામલે હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સંદર્ભે કરેલ અવલોકન ને ધ્યાને લીધું છે. જેમાં સુપ્રીમ કોર્ટે, ‘જાહેરહિતના મહત્વના પ્રોજેક્ટમાં કોર્ટે લાંબો સમય મનાઈ હુકમ આપીને હસ્તક્ષેપ કરવો જોઈએ નહી’ તેવું અવલોકન કર્યું હતું.

સુરત મેટ્રો રેલ જ્યાંથી પસાર થવાની છે તેની વચ્ચે નડતા રુદરપુરા મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્ષ તોડવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જે મામલે 18 ફેબ્રુઆરી 2021ના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પબ્લિક પ્રીમાઇસિસ એકટ 1972 હેઠળ કોમ્પ્લેકસના દુકાનદારોને કોમ્પલેક્ષ ખાલી ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જે મામલે દુકાનદારોએ કોર્પોરેશનની નોટિસને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જોકે હાઇકોર્ટે 25 ફેબ્રઆરી, 2021ના રોજ કોર્પોરેશનમાં રજૂઆત કરવા અને નીચલી અદાલતમાં કાયદાનો વિકલ્પ ખુલ્લો હોવાથી ત્યાં કાર્યવાહી કરવા માટે કહ્યું હતું અને અરજીનો નિકાલ કર્યો.

દુકાનદારોએ રજૂઆત કરી હતી કે દુકાન છીનવાઈ જવાથી રોજીરોટી છીનવાઇ જશે જે બાદ દુકાનદારોએ જિલ્લા કોર્ટમાં કોર્પોરેશનની કામગીરીને પડકારી હતી. જેમાં 11-8-2021ના રોજ જિલ્લા કોર્ટ દ્વારા કોર્પોરેશનની તરફેણમાં ઓર્ડર કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશનની કામગીરી યોગ્ય ગણાવી હતી. જે બાદ ફરીથી મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો. દુકાનદારોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે જો તેમની દુકાન છીનવાઈ જશે તો રોજેરોટનું માધ્યમ નહીં રહે. જેથી તેમને અન્ય સ્થળે અથવા તો વૈકલ્પિક ધોરણે ધંધા વેપાર માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે’. આ મામલે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પ્રત્યેક દુકાનદારોને ₹1,11,000નું વળતર ચૂકવવાની તૈયારી પણ દર્શાવી હતી.

(11:30 pm IST)